વેરાવળ પાટણ પાલીકાની બેઠકમાં સફાઈ કામગીરીમાં લોલંલોલ મુદ્દે સતાપક્ષ- વિપક્ષના સભ્યોએ સવાલ ઉઠાવતા ચકચાર

બેઠકમાં રોડ-રસ્તા, નવા ગાર્ડનો બનાવવા સહિતના ૮ કરોડના વિકાસકામોની જાહેરાત કરાઈ : ડોર ટુ ડોર કામગીરીમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આક્ષેપોને પ્રમુખે પાયાવિહોણા ગણાવી ફગાવ્યા

વેરાવળ પાટણ પાલીકાની બેઠકમાં સફાઈ કામગીરીમાં લોલંલોલ મુદ્દે સતાપક્ષ- વિપક્ષના સભ્યોએ સવાલ ઉઠાવતા ચકચાર

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૪
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા બેઠક મળી હતી. જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે જરૂરી રોડ રસ્તા અને ગાર્ડન બનાવવાના કામો અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. બેઠકમાં સફાઈ કામગીરી સામે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ નારાજગીની રજુઆત કરેલ જે ચર્ચાનો વિષય બન્યો હતો. વેરાવળ પાટણ પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદય શાહ, ચીફ ઓફિસર અશ્વિન વ્યાસની ઉપસ્થિતિમાં પાલિકાની સામાન્ય સભાની બેઠક કચેરી ખાતે મળી હતી. જેમાં ભાજપના ૨૩ અને કોંગ્રેસના ૨૦ મળી કુલ ૪૩ નગરસેવકો હાજર રહ્યા હતા. બેઠકમાં આગામી સમયમાં જોડિયા શહેરમાં થનારા રોડ રસ્તા અને નવા ગાર્ડન બનાવવા સહિતના રૂટીન ખર્ચાઓના કુલ એજન્ડા ના ૨૧ ઠરાવો રજૂ થયેલ હતા. જેના ઉપર વિસ્તૃત ચર્ચાઓ બાદ બહુમતીના જોડે તમામ ઠરાવો મંજુર કરાયા હતા. આજની બેઠકમાં કોંગ્રેસના નગરસેવક નરેશ ચાવડાએ શહેરમાં ચાલતી ડોર ટુ ડોરની કામગીરીમાં લોલંલોલ સાથે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત સાથે ગંભીર આક્ષેપો કર્યા હતા. તો ભાજપના મહિલા નગરસેવકે પણ પોતાના વોર્ડમાં ચાલતી સફાઈ કામગીરી અંગે નારાજગી દર્શાવી વ્યવસ્થિત કરવા રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખ નરેશ ગોહેલના જણાવ્યા મુજબ બેઠકમાં જોડીયા શહેરના સર્વાંગી વિકાસ માટે જુદા જુદા આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નવા ગાર્ડન અને રોડ રસ્તા બનાવવા સહિતના વિકાસકામો કરવા માટે સ્વણિર્મની ૮ કરોડની ગ્રાન્ટ માંથી આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના પ્રવેશ દ્વાર નમસ્તે સર્કલ પાસેના હાયમાસ્ટ ટાવર ઉપર દેશની શાન એવા તિરંગા ધ્વજને કાયમી માટે ફરકાવવાનું આયોજન તથા સેવા જ્યોતિ સર્કલ બનાવવાનું વિશેષ આયોજન કરાયુ છે. આ સિવાય શહેરને કાયમી માટે સ્વચ્છ અને ચોખ્ખું રહે તે માટે સફાઈ ની કામગીરીને લગતના નિયમોનું બનાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે વિપક્ષના ડોર ટુ ડોર અને સફાઈ કામગીરીમાં ભ્રષ્ટાચાર આક્ષેપોને પાલિકા પ્રમુખ નરેશ ગોહિલે પાયા વિહોણા ગણાવી ફગાવી દીધા હતા અને તમામ નગરસેવકો સતા પક્ષ કે વિપક્ષના તમામ નગરસેવકો સફાઈ કામગીરીનું પોતાના વોર્ડમાં મોનિટરિંગ રાખે અને જો કોઈ પણ બેદરકારી ધ્યાને આવે તો અમારા ધ્યાને મૂકવા અપીલ કરી હતી.