ભ્રષ્ટાચારનાં ખાડામાં જૂનાગઢનાં માર્ગો ગાયબ

ખાડા હોય, ખાબોચીયા હોય, ગંદકી હોય કે કોઈ સુવિધા ન હોય પરંતુ જનતાને કોઈ ફરક પડતો નથી...? જાે ફરક પડતો હોત તો આવી સ્થિતિ ન હોત...! મહાનગરપાલિકા બન્યાને બે દાયકા કરતા વધારે સમય થયો છે પરંતુ જૂનાગઢની જનતાને શું મળ્યું ? ખાડા વાળા માર્ગો, સુવિધાઓનો અભાવ, આડેધડ કામગીરી, સાફ સફાઈમાં ભારે બેદરકારી, ભ્રષ્ટાચારી શાસને લોકોની આશાઓ પર પાણી ઢોળ કરી નાખ્યું

ભ્રષ્ટાચારનાં ખાડામાં જૂનાગઢનાં માર્ગો ગાયબ
AI Image

જૂનાગઢ તા.૨ર
જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે દાયકા કરતા વધારે સમય થઈ ગયો છે પરંતુ જૂનાગઢ શહેરની દશા મોટા ગામડા જેવી આજે પણ રહેલી છે. આજે જૂનાગઢ શહેરમાં ફરવા નીકળો તો ખરાબ અને ખાડાવાળા રસ્તા લગભગ મોટાભાગનાં વિસ્તારોમાં જાેવા મળે, ખાડાવાળા રસ્તામાં ખાબોચીયા ભરાયેલા રહે, આ ઉપરાંત પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નો વર્ષો થયા ટલ્લે ચડેલા છે. તેનો કયારેય ઉકેલ આવતો જ નથી. લોકશાહીમાં દરેકને પોતાનો અધિકાર  માંગવાનો હકક રહેલો છે. લોકો વેરા ભરે છે પરંતુ વેરાની સામે પુરતી સુવિધાઓ મળતી નથી એ પણ સત્ય બાબત છે. ઐતિહાસીક નગરી તરીકે ઓળખાતા જૂનાગઢ શહેરમાં વર્ષે લાખો પ્રવાસીઓ આ શહેરની મુલાકાતે આવે છે. શહેરનાં રમણીય સ્થાનો, ઐતીહાસિક સ્થળો અને ભવનાથ, ગિરનાર ક્ષેત્રની મુલાકાત લઈ સુખદ આનંદ માણે છે પરંતુ જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તાને  લઈને કડવી યાદ લઈને જાય છે. જયારથી નગરપાલિકામાંથી કોર્પોરેશન બન્યું છે ત્યારથી સરકારશ્રી દ્વારા પણ છેલ્લા ર૦ વર્ષોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ શહેરનાં સર્વાંગી વિકાસ, રસ્તા અને પ્રાથમિક સુવિધા માટે ફાળવવામાં આવી છે. પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં જૂનાગઢવાસીઓને તો માત્ર ખાડા અને ધુળીયા રસ્તા સહન કરવાનો વારો આવ્યો છે. આ તકે બહુ લાંબે કે પાછલા વર્ષો સુધી જવાની જરૂર પણ નથી. તાજાે હમણાનો જ દાખલો લઈએ તો નરસિંહ મહેતા સરોવરના નવનિર્માણની કામગીરી રૂા.૭૦ કરોડનાં ખર્ચે  કરવામાં આવી હતી. થોડાજ સમયમાં આજે નરસિંહ મહેતા સરોવરની કેવી હાલત છે એ સૌ જાણે છે. જૂનાગઢની ખરાબ હાલત માટે કોણ જવાબદાર છે ? તે પ્રશ્ન જૂનાગઢની જનતાએ પોતાની જાતને પુછવાનો છે. જૂનાગઢ શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને પાયાની સુવિધા આપવામાં જૂનાગઢ મનપાનાં શાસકો સાવ નિષ્ફળ ગયા છે અને આ અંગે પ્રજામાંથી તીવ્ર આક્રોશ ઉઠવા પામેલો છે. પરંતુ લોકો શા માટે વર્ષો થયા અનેક હાલાકી ભોગવી રહયા છે. શા માટે તંત્ર વાહકો સામે અવાજ ઉઠાવતા નથી? કોઈપણ રાજકીય પક્ષની ચમચાગીરી કરવી જાેઈએ નહીં તેમજ ગમે તેવું કડવું સત્ય હોય તો તે સોઈ જાટકીને કરી દેવાની નૈતિકતા લોકોએ દર્શાવવી પડશે. સરકારે છેલ્લા બે દાયકા કરતા વધુ સમયગાળાનાં કોર્પોરેશનનાં શાસનમાં પ્રજાને પુરેપુરી પ્રાથમિક સુવિધા મળતી રહે અને વિકાસનાં કામો દ્વારા જૂનાગઢ શહેર નંબરવન શહેર બને અને વિકાસશીલ શહેરોની ગણનામાં જૂનાગઢ શહેરનું નામ અંકીત થાય તે માટે કરોડોનાં નાણા આપ્યા છે. આ નાણાં વપરાયા છે અને કહેવાતા કામો પણ થયા છે પરંતુ આજનાં દિવસે શહેરનાં મોટાભાગના વિસ્તારોમાં લટાર મારવામાં આવે તો પ્રાથમિક સુવિધાનો અભાવ જાેવા મળશે, રસ્તાની હાલત બદતર અને વિકાસનાં કામો ઢંગ ધડા વિનાનાં જાેવા મળે તે પણ સામે આવશે. ત્યારે સવાલ એ ઉઠવા પામે છે કે, જૂનાગઢની જનતા અનેક પ્રશ્નોથી પીડાઈ રહી છે પરંતુ મુશ્કેલી, હાલાકી ભોગવ્યા કરે છે. પરંતુ  જનતા ચુપ છે? હવે કયા સુધી ચુપ રહી અને સહન કરતા રહેશો? તેવો સવાલ આજે ઉઠવા પામ્યો છે. આજે લોકો પોતાનાં ઘરેથી બહાર નીકળે ત્યારે તેને ખુબજ સાવચેતી રાખવી પડે તેવી હાલત છે. ચોમાસાનાં દિવસો અને ખાડાવાળા રસ્તાને કારણે લોકોને ખબર નથી હોતી કે રસ્તામાં આવેલ ખાડો કેટલો ઉંડો છે? અને જેના કારણે ખુબજ સાવધાની રાખવી પડે તેમ છે. ચોમાસાનાં શરૂઆતના દિવસોમાં વરસાદનાં સમયે ખાડામાં પડવાનાં કારણે જૂનાગઢમાં અકસ્માતનાં બનાવો બન્યા છે જ તે પણ લોકોએ ભુલવું ન જાેઈએ.  મનપાના શાસકોએ માની લો કે ભ્રષ્ટાચાર કર્યો જનથી તો પછી તેમણે નાણા કયાં વાપર્યા, કઈ કામગીરી માટે? તેનો સવાલ અને હિસાબ માંગવાનો આપણને અધિકાર છે જ, જેથી લોકોએ મનપા તંત્ર પાસેથી હિસાબ માંગવો જ જાેઈએ અને કોઈની શેહ શરમ પણ રાખવી જાેઈએ નહીં. વધુમાં જૂનાગઢ કોઈ નેતા કે પક્ષની જાગીર નથી, જૂનાગઢ તો આપણા સૌનું માનીતું શહેર છે અને તેને સારૂં રાખવું એ સૌની ફરજમાં આવે છે. આ તકે જૂનાગઢના કહેવાતા જાગૃત લોકો નિવેદનીયા નેતાઓને ખાસ કહેવાનું કે તમારા ઘર આગળ તમારી દુકાન આગળ જાે ખાડો પડયો હોય તેમજ તમારા હીતને જાે જરાક આંચ આવી હોય તો કાગારોળ મચાવો છો. ત્યારે શહેરની ખરાબ હાલત હોવા છતાં ચુપચાપ બેસીને ખેલ જાેયા કરો છો તો તે તમારી પણ ભુલ છે. આવા કહેવાતા જાગૃત નાગરીક અને નિવેદનીયા નેતાઓ તમે પણ જાગો અને બીજાને પણ જગાવો. જાે આપણે સલામત રહેવું હશે તો જૂનાગઢને સલામત બનાવવુજ પડશે. માટે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે,  હવે મૌન રહેવું કે ચુપ રહેવું પોસાઈ તેમ નથી. હવે તો જાગ્યા ત્યાંથી સવાર ગણી શહેરનાં સર્વાંગી વિકાસ, રસ્તા અને પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને સતત જાગૃત બની  સત્તાધીશોના કાન આમળવા પણ પડશે અને જરૂર પડયે આંદોલન પણ કરશું જ તેવો નિર્ધાર વ્યકત કરવો પડશે.