જૂનાગઢનાં ધરારનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઈ : રૂા. ૧૪,૦૩,ર૭૦નાં મુદામાલ સાથે મુખ્ય આરોપી ઝડપાયો
જૂનાગઢ તા. ૬
જૂનાગઢ શહેરનાં ધરારનગર વિસ્તારમાંથી ગઈકાલે પોલીસે નકલી દારૂની ફેકટરી પકડી પાડી હતી અને દારૂની બોટલો, કેમીકલ સહીતનો કુલ રૂા. ૧૪,૦૩,ર૭૦નો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે. પકડાયેલા આ શખ્સને આજે રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવનાર છે. દારૂની મીની ફેકટરી ઝડપાતા ભારે સનસનાટી મચી જવા પામેલ છે. પોલીસે આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અને આ દારૂકાંડમાં સંડોવાયેલા તેમજ તપાસમાં જે ખુલે તે લોકોને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે.
ગુજરાતમાં દારૂબંધીનાં અમલ વચ્ચે બુટલેગરો દ્વારા પાડોશી રાજયોમાંથી દારૂની ખેપ મારતા હોય છે. તેમજ દારૂ મંગાવવા તેમજ દારૂનાં વેંચાણ માટેનાં નીતનવા કિમીયા કરતા હોય છે. ત્યારે જૂનાગઢ શહેરમાં દારૂનાં એક બુટલેગરે ઘરમાં જ નકલી દારૂની ફેકટરી ઉભી કરી અને વધુ નાણાં કમાવવાનો કારસો ઘડયો હતો. પરંતુ એ ડીવીઝન પોલીસે બુટલેગરનાં કારસાનો પર્દાફાશ કરતાં ઘણી ચોંકાવનારી વિગત મળી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાધલીયાનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહીબીશન તેમજ જુગારની પ્રવૃતિ અને નશાકારક કેફી દ્રવ્યોની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા સતત પ્રયત્નશીલ છે. આ દરમ્યાન એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ વી.જે. સાવજ તેમજ ગુના નિવારણ શાખાનાં પીઆઈ વાય.એન. સોલંકી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન તેમને ચોકકસ બાતમી મળી કે બિલખા રોડ ધરારનગર વિસ્તારમાં પરમાર વાડી પાસે સરકારી પાણીનાં ટાંકા પાસે પ્રતાપ શિવુભા સોલંકીનાં કબ્જાવાળા મકાનમાં પ્રતાપ શિવુભા સોલંકી તથા રઘુવીરસિંહ શિવુભા સોલંકી રહે. બંને જૂનાગઢ ધરારનગરવાળાઓ તેઓનાં મળતીયાઓ સાથે મળી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ચલાવે છે. અને ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રવૃતિ કરે છે. તેવી બાતમીના આધારે ઉપરોકત સ્થળે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વાય.એન. સોલંકી તથા ગુના નિવારણ શાખાની ટીમે રેડ કરતા રઘુવીરસિંહ શિવુભા સોલંકી બાતમી મુજબની પ્રવૃતિ કરતો મળી આવેલ તેમજ પ્રતાપ શિવુભા સોલંકી સ્થળ પર હાજર મળેલ નહી. આ રેડ દરમ્યાન સ્થળ ઉપરથી બનાવટી ઈંગ્લીશ દારૂ ભરેલ બોટલ નંગ ૧૪૮૦, પ્લાસ્ટીકના ટાંકામાં બનાવટી ઈંગ્લીશ દારૂ લી. ૪૬૦, ખાલી બોટલ નંગ પ૪૦, ડુપ્લીકેટ સ્ટીકર-૪૯૬, એસન્સ બોટલ નંગ ૧, કલર આશરે ૩ કિ., બોટલના ઢાંકણા નંગ ૧ર૮૦, મશીન નંગ ૧, બેરલ નંગ-પ, પ્લાસ્ટીકનો ટાંકો નંગ-૧, મોબાઈલ-૧ અને રોકડ રૂા. ૩૦૧૦ મળી કુલ રૂા. ૧૪,૦૩,ર૭૦નો મુદામાલ કબ્જે કરી અને રઘુવીરસિંહ શિવુભા સોલંકી (ઉ.વ. ર૭)વાળાને ઝડપી લેવામાં આવેલ અને જયારે હાજર નહી મળી આવેલ પ્રતાપ શિવુભા સોલંકી તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ ભારતીય ન્યાયસંહિતા ર૦ર૩ની કલમ ૩૩૬ (ર), ૩૩૮, ૩૩૬ (૩), ૩૪૦ (ર), ૬૧ (ર) તથા પ્રોહી. કલમ ૬પ (ઈ), ૬૭, ૮૧ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીને આજે રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવનાર છે. અને બાકી રહેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ કામગીરી પ્રો. પો. ઈન્સ. વી.જે. સાવજ, તથા પો.સબ ઈન્સ. વાય.એન. સોલંકી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




