ગીરનારની દુધ ધારા યાત્રાને તંત્રએ અટકાવી, જયારે જૈનોને લાડુ ધરાવાની છૂટ : હિન્દુ સમાજમાં ભારે રોષ
જૂનાગઢ તા. 20
જૂનાગઢ નજીક આવેલા ગીરનાર પર્વત ખાતે આજે સવારે બનેલી એક ઘટનામાં ચેકીંગ પોઈન્ટ ઉપર રેવતક સમિતિ દ્વારા આયોજીત દુધધારા અને દુધા અભિષેકનાં કાર્યક્રમને તંત્ર દ્વારા અટકાવી દેવામાં આવતા ભાવિકો અને શ્રધ્ધાળુઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ઉઠવા પામી હતી. આ સાથે એક એવી પણ વાત સામે આવી છે કે, રેવતક સમિતિ દ્વારા યોજાયેલી દુધધારા અભિષેક માટેની યાત્રાને અટકાવી દેવામાં આવી હતી જયારે જૈનો દ્વારા 30માં પગથીયે લાડુ ધરાવવાની વીધિ કરવા દેવામાં આવતા તેને લઈને ભારે અસંતોષ ઉઠવા પામેલ છે તેમજ તંત્રનાં આ ભેદભાવ ભર્યા વલણ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ લખાઈ છે ત્યારે પરિસ્થિતિને થાળે પાડવા માટે સમજાવટનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે.
જૈન સમાજ તરફથી દિલ્હીથી શરૂ થયેલી શ્રી નેમી ગીરનાર ધર્મ યાત્રા તા. 19-7-2026નાં રોજ જૂનાગઢ ખાતે પહોંચી હતી તેમજ ગીરનાર પર્વત પર શ્રી નેમીનાથ નીર્વાણદિન નિમિતે ગીરનારની પાંચમી ટુંક ઉપર આજ તા. 20-7-2026ના રોજ નિર્વાણ ઉત્સવનો કાર્યક્રમ યોજાનાર હોવાની જાહેરાત થઈ હતી. આ દરમ્યાન યાત્રાળુઓની સલામતી માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે તા.19-7-2026 થી તા.21-7-2026 સુધી કુલ 3 દિવસ ભવનાથ વિસ્તાર અને ગીરનારની પાંચમી ટુંક સુધીનાં વિસ્તારમાં જાહેર સુુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી પ્રાંત અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેમાં સ્પષ્ટ દર્શાવેલ હતું કે, કોઈપણ વ્યકિત, સંઘો પુજાની સામગ્રી સાથે ગીરનારની સીડી ઉપર જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જે અંતર્ગત ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમ્યાન રેવતક સમિતિ દ્વારા દુધધારા યાત્રા આજે ભવનાથ મહાદેવ મંદિરને જલાભિષેક કર્યા બાદ દત્ત શીખર પર જવા માટે રવાના થઈ હતી અને સાધુ-સંતો, ભાવિકો રેવતક સમિતિનાં સદસ્યો અને દુધધારાનાં આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ યાત્રા ગીરનારની સીડી ખાતે પહોંચી હતી અને જયાં ચેકીંગ પોઈન્ટ પાસે જ તેને અટકાવી દેવામાં આવી હતી અને દુધધારા યાત્રાને આગળ જવા દેવામાં ન આવી હતી જેને લઈને સંતો અને ભાવિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી અને તંત્રને રજુઆતો કરવામાં આવી હતી અને સમજાવટનાં પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ દુધ ધારા યાત્રા જલાભિષેક માટે યોજવામાં આવી હતી અને ખાસ કરીને સુખ, શાંતિ પ્રવર્તે તેમજ સર્વેનાં કલ્યાણની ભાવના સાથે યાત્રા યોજવાનો મુખ્ય ઉદેશ હતો તેમજ મેઘરાજાની કૃપા પણ વરસે તે માટેની પ્રાર્થના સ્વરૂપે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો પરંતુ આ લખાઈ છે ત્યાં સુધી આ યાત્રાને અટકાવી દીધેલ છે અને આગળ જવા દેવામાં આવી નથી.
બીજી તરફ એક એવી વાત પણ સામે આવી છે કે જૈનો દ્વારા 30માં પગથીયે લાડુ ધરવાની વિધીને બીનરોકટોક પૂર્ણ કરી દેવામાં આવી છે જયાારે દુધધારા યાત્રાને અટકાવી દેવામાં આવી હોય તો આવો ભેદભાવ શા માટે ? નિયમની અમલવારી કરવી હોય તો દરેક સમાજ માટે એક સરખો નિયમ રાખવો જાેઈએ તેવું ભાવિકોનું કહેવું છે. આજે ગીરનાર ક્ષેત્રમાં દુધ ધારા યાત્રાને ચેકીંગ પોઈન્ટ પર અટકાવી દેવાને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ છવાયો છે.
મંજુરી ન મળતા દુધ ધારા યાત્રા પરત થઈ : પ્રતિબંધ હોવા છતાં 30મે પગથીયે લાડુ ધરવાની વિધિ કરનાર ત્રણ મહિલા સામે ગુનો દાખલ કરવા માંગણી
જૂનાગઢ તા. 20 : રેવતક સમિતિ દ્વારા આયોજીત દુધ ધારા યાત્રાને આગળ વધવાની મંજુરી ન મળતા દુધ ધારા યાત્રા પરત થઈ છે અને જે લોકોએ 30માં પગથીયે લાડુ ધરવાની વિધી કરી છે તેની સામે ગુનો દાખલ કરવાની માંગણી વ્યકત કરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રેવતક સમિતિ દ્વારા આજે સંતો - ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન દત્તાત્રેયનાં ચરણ પાદુકાને દુધાભિષેક કરવા માટેની દુધ યાત્રા નીકળી હતી પરંતુ તેમને ગીરનારની સીડી પાસેનાં ચેકીંગ પોઈન્ટ પાસે અટકાવી દેવામાં આવતા ભાવિકોમાં ભારે રોષ પ્રગટયો હતો. સંતોએ રજુઆત કરી હતી કે, અમોને 30 પગથીયે જવા દો અને પૂજન વિધિ કરવા દો પરંતુ મંજુરી ન મળતા ત્યાંથી જ દુધ ધારા યાત્રા પરત ફરી હતી અને સાથે જ આજે બનેલી ઘટનામાં પ્રતિબંધ હોવા છતાં પણ ત્રણ મહિલાઓએ 30 પગથીયે લાડુ ધરવાની વીધી કરી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.


