શ્રી સોમનાથ ટ્રસ્ટનું 30 દિવસ 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું ઐતિહાસિક આયોજન

સોમનાથમાં મહામૃત્યુંજય મંત્રથી જ ચંદ્ર એ પ્રાપ્ત કર્યું હતું દેવાધિદેવ મહાદેવનું વરદાન  : ટ્રસ્ટની વેબસાઇટ somnath.rog પર ટૂંક સમયમાં પ્રારંભ થશે યગ્નનું સ્લોટ બુકિંગ

શ્રી સોમનાથ ટ્રસ્ટનું 30 દિવસ 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું ઐતિહાસિક આયોજન

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.20
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ 2026માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય, પૂજા અને પ્રસાદનો અદભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસો માટે ‘પાઘ પૂજા‘ અને ‘છેલ્લી ધ્વજા પૂજાઓ‘ બુક થઈ ચૂકી છે. આ ઉપરાંત સેંકડોની માત્રામાં ‘સોમેશ્વર પૂજા‘ પણ એડવાન્સ બુક થઈ ગઈ છે. ત્યારે, સોમનાથ આવનાર સામાન્યમાં સામાન્ય ભક્ત પણ પૂજાના પુણ્યલાભથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ (30 દિવસ) માટે વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. નામમાત્રનો શુલ્ક: ભક્તો વિવિધ નોંધણી કેન્દ્રો પરથી માત્ર 51/- (એકાવન રૂપિયા) જેવી નજીવી કિંમતે યજ્ઞ અનુષ્ઠાનની નોંધણી કરાવી શકશે. આ યજ્ઞમાં ભક્તો મહામૃત્યુંજય મંત્રની કુલ 51 આહુતિઓ અર્પણ કરશે. આ માટે જરૂરી આહુતિ દ્રવ્ય (હવન સામગ્રી) ટ્રસ્ટ દ્વારા નોંધણી સમયે જ પુરૂં પાડવામાં આવશે. ભક્તો મંદિરની બહાર આવેલા સ્વાગત કક્ષ, મંદિરની અંદરના ભાગેના કાઉન્ટર તેમજ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.rog પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું બુકિંગ કરાવી શકશે. ભક્તોની સુવિધા માટે ૫૧ કુંડી મહાયજ્ઞનું દિવસ દરમિયાન કુલ ૯ ટાઈમ સ્લોટમાં આયોજન કરાયું છે. (સવારે 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, બપોરે 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, અને સાંજે 5 થી 6). મંદિર પરિસરમાં (1) દક્ષિણ દ્વાર નજીક, (2) બાણસ્તંભ નજીક, અને શો પેવેલિયન પાસે વિશાળ માત્રામાં યજ્ઞહોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રત્યેક સ્લોટમાં ભક્તો નિયત યજ્ઞકુંડમાં હોમ કરી શકશે. યજ્ઞમાં બેસવા માટે પરંપરાગત પોશાક અનિવાર્ય હોવાથી, ભક્તોની સરળતા માટે ટ્રસ્ટ દ્વારા ‘ધોતી કાઉન્ટર‘ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી યજમાનોને ધોતી પૂરી પાડવામાં આવશે. સોમનાથ એ મહામૃત્યુંજયની સિદ્ધ ભૂમિ છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ જ પવિત્ર ભૂમિ પર ચંદ્રદેવે મહામૃત્યુંજય મંત્રના કરોડો જાપ કરી ક્ષય રોગમાંથી મુક્તિ મેળવી હતી અને શિવજીનું પરમ સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ શિવભક્તોને હૃદયપૂર્વક આહવાન કરે છે કે, આવો આપણે સૌ પણ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ મહામૃત્યુંજય યજ્ઞમાં જોડાઈએ અને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિનું અખૂટ ભાથું બાંધીએ.