દ્વારકા નજીક ટેમ્પોની અડફેટે કાર સવાર પ્રૌઢનું મૃત્યું
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૩
દ્વારકા - પોરબંદર માર્ગ પર પૂરપાટ જતા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે આ માર્ગ પર એક મારૂતિ ઈક્કો મોટરકારને અડફેટે લેતા આ કારમાં જઈ રહેલા એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. રવિવાર તા. 10 ના રોજ GJ 36 AR 3696 નંબરની ઈક્કો મોટરકારમાં દ્વારકા દર્શનાર્થે નીકળેલા શુભમભાઈ તથા તેમના પિતા રવિન્દ્રભાઈ, માતા રમાબેન તથા મોટી બહેન માનસી સાથે તેઓ સોમવારે દ્વારકા - પોરબંદર હાઈવે પર કુરંગા ગામના બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા DD 01 K 9021 નંબરના એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે તેમની ઈક્કો મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સજ્ર્યો હતો.
જેના કારણે આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકની પાછળની સીટ પર બેઠેલા રવિન્દ્રભાઈના હાથ તથા મોઢાનો ભાગ કચડાઈ ગયો હતો અને તેમને લોહી લોહાણા હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મોટરકારમાં જઈ રહેલા અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને ટેમ્પો ટ્રાવેલરનો ચાલક નાસી છૂટ્યો હોવાનું પણ જાહેર થયું છે. વધુ તપાસ દ્વારકાનાં પીએસઆઈ આર.એલ. ચોપડાએ હાથ ધરી છે.



