ઉનાનાં કેસરીયા ગામની ઘરફોડ ચોરીનાં 4 આરોપી ઝડપાયા
રૂા. 2,73,600ની ઘરફોડ ચોરીનાં બનાવમાં સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમ કબ્જે કરી
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.13
ગત તા.1-5-26ના રોજ કેસરિયા ગામે ભાણજીભાઈ નાનુંભાઈ કામલિયા તેમના પરિવાર સાથે ઘર બંધ કરી સિમલા અને મનાલી ફરવા ગયા હતા ત્યારે રાત્રિના સમયે ઘરની પાછળની બારીની ગ્રિલ તોડી કોઈ તસ્કરો પ્રવેશ કરી રોકડા રૂપિયા 2 લાખ, સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂા. 2,73,600ની ચોરી થયાની ભાણજીભાઈની માતા વેજીબેન નાનુભાઈ કામલિયા રે. કેસરિયાએ નોંધાવી હતી. આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાથી ઊના પ્રાંતના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. મોરી, પી.એસ.આઇ. આર.પી. જાદવ તપાસની ટીમ એ.એસ.આઇ. શાંતિભાઈ વેલાભાઈ, જોરૂભા નારણભા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવસિંહ ગોવિંદસિંહ દશિર્ત ભાણાભાઈ, અનિલભાઈ ભૂપતભાઈ જાદવ અને સ્ટાફ વિવિધ ટીમ બનાવી કેસરિયા ગામે ફરિયાદીના ઘર પાસે રહેતા અને ધંધો કરતા શખ્સોની પૂછપરછ કરી હતી. જેમાં શંકાસ્પદ પાંચ યુવાનો સંજય ઉર્ફે ભૂરો ધીરૂભાઈ વાજા, જગદીશ ઉર્ફે જયદો બચુભાઈ શિંગોડ, દેવસી બિજલભાઈ શિંગોડ, વિપુલગીરી શંકરગીરી મેઘનાથી રે. તમામ કેસરિયાની આગવી પૂછપરછ કરી હતી અને પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી માહિતી મેળવીને આરોપીઓને કડક પૂછપરછ કરતા ભાંગી પડ્યા હતા અને તેમણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. કેવી રીતે લોખંડની કોષથી બારીની ગ્રિલ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી તેનું નિર્દેશન કરેલ અને પોલીસે તમામના કબજામાંથી રોકડ રૂપિયા 36500, મોબાઈલ ફોન ત્રણ 5500, સોનાની બુટી 30600, ચાંદીના છડા બેજોડી, ચાંદીની બંગડી બે, ગ્રિલ તોડવામાં ઉપયોગ લીધેલ લોખંડની કોષ એક કબ્જે કરી પાંચે આરોપીની ધરપકડ કરી હતી. માત્ર આઠ દિવસમાં ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી. બાકીના રૂપિયા ક્યાં છે તેની ઉના પોલીસ તપાસ કરી રહી છે.


