૫.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના અદાણી આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની ૨૦૩૫ સુધીમાં રાજ્યમાં માળખાકીય પ્રકલ્પો માટે રૂા.૧ લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત

૫.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના અદાણી આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

કોલકતા, તા.રપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કોલકાતાના ન્યૂ ટાઉન સ્થિત બંગાળ સિલિકોન વેલી ટેક હબ ખાતે ૨,૦૦૦ બેડની ક્ષમતા ધરાવતા અદાણી આરોગ્ય મંદિરનો ગુરુવારે શિલાન્યાસ કર્યો હતો. પશ્ચિમ બંગાળના ૨૦૨૬ના હેલ્થકેર વિઝન સાથે સુસંગત એવા આ પ્રકલ્પનો અમલ અદાણી ફાઉન્ડેશન કરશે.. આ પ્રકલ્પ અંતર્ગત વાર્ષિક ૨,૦૦,૦૦૦થી વધુ ઇન ડોર દર્દીઓ અને ૨૦ લાખથી વધુ આઉટ ડોર દર્દીઓને સેવા અપાશે લગભગ ૧૦,૦૦૦ રોજગારીની તકોનું સર્જન ધરાવતા અને પૂર્વ ભારત તથા તેની બહારના વિસ્તારો માટે વિશ્વ કક્ષાનું એકેડેમિક મેડિકલ સેન્ટર અને વ્યાપક આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમ તરીકે કલ્પવામાં આવેલા આ પ્રકલ્પમાં રૂા. ૪,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરાશે. ૫૧.૭૫ એકરમાં આકાર લેનાર અદાણી આરોગ્ય મંદિર એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ટેપ-ડાઉન અને ટ્રાન્ઝિશનલ કેર‘ ની સુવિધાઓ સાથેની આ વ્યાપક ઇકોસિસ્ટમમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની સુવિધા પૂરી પાડવા માટે મેડિટેલ અને વિશ્રામ ગૃહનો પણ સમાવેશ થશે. મુખ્યમંત્રી સુવેન્દ્ર અધિકારીએ જણાવ્યું હતું કે બંગાળના પુન:નિર્માણ માટે અમે અદાણીની હાજરીની રાહ જાેઈ રહ્યા છીએ. આ આખરી પરિકલ્પના માત્ર એક હોસ્પિટલના સંકુલની નહી પણ સંપૂર્ણ સંકલિત હેલ્થકેર સિટી હશે. તેમણે કહ્યું હતું કે ભારતમાં ક્યાંય પણ આટલી ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની હોસ્પિટલ નથી. આ હોસ્પિટલ મેડિકલ ટુરિઝમને મોટો વેગ આપશે. પશ્ચિમ બંગાળ માટે આ ઐતિહાસિક, અર્થપૂર્ણ અને શુભ દિવસ છે તેમ જણાવી શ્રી અધિકારીએ ઉમેર્યું હતું કે વિકસિત ભારત ૨૦૪૭નું લક્ષ્ય ત્યારે જ સિદ્ધ થઈ શકે જાે બંગાળનો વિકાસ થાય. અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી આરોગ્ય મંદિર એક વિશ્વ કક્ષાની, બિન-નફાકારી તબીબી સંસ્થા હશે જેમાં શામેલ ૨૦૦૦ બેડમાંની એક હજાર બેડ રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ લાભ મેળવવાને પાત્ર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને સેવા આપશે. અદાણીએ મેગા-પ્રકલ્પો માટે ગ્રુપનો પાયો બનનારા ગુજરાતના મુન્દ્રા સાથે સરખાવતા રાજ્યને પૂર્વમાં સમૂહની કર્મભૂમિ તરીકે ઓળખાવ્યું હતું. તેમણે ૨૦૩૫ સુધીમાં પશ્ચિમ બંગાળમાં બંદરો, લોજિસ્ટિક્સ, નવીનીકરણીય ઉર્જા, વીજ ઉત્પાદન, વીજ ટ્રાન્સમિશન અને વિતરણ, રસ્તાઓ અને પુલો, ગ્રીન સિમેન્ટ અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સના ક્ષેત્રોમાં રૂ. ૧ લાખ કરોડથી વધુના રોકાણના રોડમેપની જાહેરાત કરી હતી.