જૂનાગઢ શહેરના દુબડી વિસ્તારનાં ગણેશનગરમાં વર્ષોથી રહેતા 83 આસામીઓને વન વિભાગની નોટીસ : કલેકટરને આવેદનપત્ર અપાયું

જૂનાગઢ શહેરના દુબડી વિસ્તારનાં ગણેશનગરમાં વર્ષોથી રહેતા 83 આસામીઓને વન વિભાગની નોટીસ : કલેકટરને આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. 19
જૂનાગઢ શહેરના દુબડી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતા રહેવાસીઓને વન વિભાગ દ્વારા જગ્યા ખાલી કરવા માટે નોટીસ ફટકારવામાં આવતાં 83 જેટલી નોટીસોને પગલે ગણેશનગરમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ન્યાય મેળવવાની માંગણી સાથે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગઈકાલે કલેકટરને આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરનાં દુબડી વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતા 83 આસામીઓને નોટીસ પાઠવવામાં આવી છે. બે દિવસ પહેલા જંગલ ખાતા તરફથી અચાનક શોકોઝ નોટીસ આપવામાં આવી હતી. જેમાં માત્ર બે દિવસની અંદર જમીનની માલીકી અંગેના જરૂરી આધાર પુરાવા રજુ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. ટુંકા સમયમાં પુરાવા એકત્ર કરવા ખુબ જ મુશ્કેલભરી કામગીરી છે. વર્ષો પહેલા તત્કાલીન કલેકટર દ્વારા બંધાળા ગામની ગ્રામ પંચાયત હસ્તકની જે જમીન હતી તેનો યોગ્ય ઠરાવ કરીને તે જમીન ફોરેસ્ટ ખાતાને સુપ્રત કરી દીધી હતી. જમીનના બદલામાં ગણેશનગરમાં નગરપાલિકાએ કાયદેસરનો ઠરાવ કરીને નિયમ મુજબના પૈસા પણ વસુલ કર્યા હતાં. પરંતુ હવે આટલા વર્ષો બાદ જંગલ ખાતાના અધિકારીઓ જમીનની માંગણી કરી રહયા છે. ત્યારે રહેવાસીઓ દ્વારા આ અન્યાયની પ્રક્રિયા સામે કલેકટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરી છે કે વહીવટી તંત્ર પાસે રહેલી જુની સરકારી ફાઈલો અન ઠરાવો બહાર લાવવામાં આવે અને અમારી જમીનનાં કાયદેસરના દસ્તાવેજાે બનાવી આપવા રજુઆત કરવામાં આવી છે. દરમ્યાન જૂનાગઢ વન વિભાગ હેઠળ આવતી ડુંગર દક્ષિણ રેન્જનાં ખોડીયાર રાઉન્ડની દુબડી બીટમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. દુબડી વિસ્તાર તરીકે ઓળખાતા ગીરનાર અભ્યારણનાં સંરક્ષિત વિસ્તારમાં વન વિભાગની મંજુરી વગર ગેરકાયદેસર દબાણ કરવા અંગે 83 લોકોને નોટીસ પાઠવવામાં આવી છે. અને અન્ય લોકોને મૌખીક રીતે ઘર ખાલી કરવા જણાવવામાં આવેલ છે. આમ 173 જેટલા લોકોને અસર થઈ રહી છે. ત્યારે અહીં રહેતા લોકો પાસે જે તે સમયે નગરપાલિકાએ માપણી કરીને પૈસા લીધાની પહોંચ અને 50 વર્ષ જુના પુરાવા પણ ઉપલબ્ધ છે. તેમ છતાં વન વિભાગ દ્વારા રહેવાસીઓને જમીન ખાલી કરવા માટેની નોટીસ આપવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને રહીશો દ્વારા ન્યાય અપાવવાની માંગણી સાથે રજુઆતો કરવામાં આવી છે.