જુનાગઢમાં કંડક્ટર બેજ લાયસન્સ માટે બોગસ મેડિકલ સટિર્ફિકેટ બનાવવાનું કૌભાંડ ? : તપાસની માંગ

જુનાગઢમાં કંડક્ટર બેજ લાયસન્સ માટે બોગસ મેડિકલ સટિર્ફિકેટ બનાવવાનું કૌભાંડ ? : તપાસની માંગ

જુનાગઢ તા.19 :
જૂનાગઢ શહેરના ખામધોળ રોડ પર આવેલી આરટીઓ કચેરી ખાતે હાલ કંડક્ટર બેજ લાયસન્સ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયામાં અરજદારો માટે મેડિકલ સટિર્ફિકેટ રજૂ કરવું ફરજિયાત હોય છે. દરમ્યાન આરટીઓ કચેરીની આસપાસ એક વ્યક્તિ દ્વારા ડોક્ટરના નામે મેડિકલ સટિર્ફિકેટ તૈયાર કરવામાં આવતાં હોવાના આક્ષેપો સામે આવતા ચર્ચાનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આરટીઓ કચેરી નજીક એક વ્યક્તિ અરજદારોને કંડક્ટર બેજ લાયસન્સ માટે જરૂરી મેડિકલ સટિર્ફિકેટ બનાવી આપતો હોવાનું બહાર આવતાં ચકચાર જાગી ઉઠી છે. આ અંગેની તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે તે વ્યક્તિ પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટરના નામનો સિક્કો ઉપયોગમાં લેતો હતો અને મોબાઇલ ફોનમાં સંગ્રહિત સહીનો ઉપયોગ કરીને સટિર્ફિકેટ પર સહી કરતો હતો.
વધુમાં મળતી માહિતી મુજબ શંકા જતાં કેટલાક લોકોએ તેની ચકાસણી કરતા તે વ્યક્તિ કોઈ માન્ય તબીબ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ આરટીઓ તંત્ર સુધી પહોંચતા સંબંધિત વ્યક્તિને ત્યાંથી દૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ બનાવે અરજદારો તેમજ સ્થાનિક લોકોમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. જો કોઈ વ્યક્તિ ડોક્ટર ન હોવા છતાં ડોક્ટરનું નામ, સહી અને સિક્કાનો ઉપયોગ કરીને મેડિકલ સટિર્ફિકેટ તૈયાર કરતો હોય તો તે ગંભીર પ્રકારનો ગુનો ગણાઈ શકે છે. આવા કથિત બોગસ પ્રમાણપત્રોના આધારે લાયસન્સ પ્રક્રિયા કરવામાં આવી હોય તો તેની પણ તપાસ કરવી જરૂરી હોવાનું મનાય છે.
વિશેષમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મામલાની વધુ તપાસ કરવામાં આવે તો ડોક્ટરના નામ અને સિક્કાનો ઉપયોગ કેવી રીતે થયો, કેટલા લોકોને આવા સટિર્ફિકેટ આપવામાં આવ્યા અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેબાબતો પણ બહાર આવી શકે છે. દરમ્યાન  હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ થાય છે કે નહીં અને સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં તે અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.