જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત : માત્ર ૧ મહિનાના નવજાત શિશુ ‘રામ‘ પર લેપ્રોસ્કોપિક હનિર્યા સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
પ્રસૂતિથી લઈને નિદાન અને જટિલ સર્જરી સુધીની તમામ પ્રક્રિયા જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ખાતે જ થઈ : મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે સમગ્ર તબીબી ટીમને બિરદાવી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૯
જી.એમ.ઈ.આર.એસ.જનરલ હોસ્પિટલ(સિવિલ હોસ્પિટલ), જૂનાગઢ ખાતે તબીબી ક્ષેત્રે એક સુવર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા દર્દી નીમુબેન અને શૈલેષભાઈ અત્રોલિયાના માત્ર ૧ મહિનાના નવજાત પુત્ર ‘રામ‘ ને જમણી બાજુ જન્મજાત સારણ ગાંઠ(Congenital Inguinal Hernia) હોવાનું નિદાન થયું હતું. આ અત્યંત સંવેદનશીલ કિસ્સામાં હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા આધુનિક લેપ્રોસ્કોપિક (દૂરબીન) પદ્ધતિથી સફળ સર્જરી કરવામાં આવી છે, જે જૂનાગઢ જિલ્લામાં આ પ્રકારની પ્રથમ અને ઐતિહાસિક સર્જરી છે. આ ઓપરેશન ખાનગી હોસ્પિટલ માં કરાવવામાં આવે તો એક લાખથી પણ વધારે ખર્ચો થતો હોય છે અને આવી લેપ્રોસ્કોપિક સર્જરી માટે દર્દી ને રાજકોટ સુધી જવું પડતું હોય છે.
પ્રસૂતિથી લઈને નિદાન અને સારવાર સુધીની સેવા એક જ છત્ર નીચે
બાળક ‘રામ‘ના માતા-પિતા માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. બાળકની પ્રસૂતિ(delivery)થી લઈને તેના જન્મજાત રોગના ચોક્કસ નિદાન(diagnose) સુધીની તમામ જટિલ પ્રક્રિયાઓ કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં ગયા વિના, માત્ર જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ખાતે જ અત્યંત કાળજીપૂર્વક અને વિનામૂલ્યે પૂર્ણ કરવામાં આવી હતી.
પડકારજનક સર્જરી અને તબીબોનું કૌશલ્ય
આ નાજુક સર્જરી હોસ્પિટલના લેપ્રોસ્કોપિક સર્જન ડો. કુલદીપ વાણવી અને ડો. રૈયા ગરચર દ્વારા ભારે જહેમત અને કૌશલ્યપૂર્વક કરવામાં આવી હતી. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, માત્ર એક મહિનાના અત્યંત નાના નવજાત શિશુ પર લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓપરેશન કરવું ખૂબ જ પડકારજનક અને અત્યંત નાજુક ગણાય છે. આ સફળતાએ જૂનાગઢ જિલ્લાના સરકારી આરોગ્ય ક્ષેત્રે સારવારની ગુણવત્તાનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
૨૪ કલાકમાં રજા અને સફળ ટીમ વર્ક
આ આધુનિક પદ્ધતિથી થયેલી સર્જરી બાદ બાળકની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો. ઓપરેશનના માત્ર ૨૪ કલાકમાં જ કોઈપણ પ્રકારની શારીરિક જટિલતા વગર બાળક રામને સ્વસ્થ અવસ્થામાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ભગીરથ સફળતા પાછળ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગ, બાળરોગ વિભાગ (પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ), ઓપરેશન થિયેટર, ર્નસિંગ સ્ટાફના તમામ સભ્યોએ એક ટીમ તરીકે શ્રેષ્ઠ અને સંકલિત સેવાઓ આપી હતી.
મેડિકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ટીમની પ્રશંસા
આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ(MS) ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે સમગ્ર ઓપરેશન ટીમ, એનેસ્થેસિયા અને ર્નસિંગ સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, "એક જ હોસ્પિટલ પરિસરમાં ડિલિવરીથી લઈને આટલી જટિલ સર્જરી સુધીની સારવાર સફળતાપૂર્વક પૂર્ણ થવી તે આપણી હોસ્પિટલની ઉચ્ચ ગુણવત્તાયુક્ત તબીબી સજ્જતા અને મજબૂત ટીમ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સિદ્ધિ ભવિષ્યમાં વધુ જટિલ કેસોની સારવાર માટે હોસ્પિટલના સ્ટાફને પ્રોત્સાહિત કરશે."


