જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે મતદાન અને મત ગણતરીના દિવસે ડ્રાય ડે જાહેર
જૂનાગઢ,તા.22
રાજયભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય, પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત /તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જે અંતર્ગત મતદાન તા. 26/4/2026ના રોજ તથા મત ગણતરી તા.28/4/2026ના રોજ થનાર છે.
આ ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થવાના કલાક સાથે પૂરા થાય તે રીતે 48 કલાક પૂર્વના સમયગાળા સુધી તથા મતગણતરી દિવસ દરમિયાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થો/ ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવા તથા આ સમયગાળાને ડ્રાય ડે જાહેર કરવામાં આવેલ છે.
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કોઈ વ્યક્તિ/ઈસમ દારૂ પી દંગા, ફસાદ કરી લોકોમાં ભયનુ વાતાવરણ પેદા ન કરે તથા ઉકત ચૂંટણીઓ મુક્ત અને ન્યાય વાતાવરણમાં નિષ્પક્ષ રીતે યોજાય અને ચૂંટણી દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ આઈએએસ અનિલકુમાર રાણાવસિયાએ ગુજરાત નશાબંધી અધિનિયમ 1949ના કાયદાની કલમ અન્વયે મળેલ સત્તાની રૂએ અમલવારી કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ હુકમ મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તા.24/4/2026ના રોજ સાંજના 6 કલાકથી તા.26/4/026ના રોજ સાંજના 6 કલાક સુધી તથા પુનઃમતદાન થાય તો પુનઃમતદાનના દિવસે તેમજ મત ગણતરીનો દિવસ એટલે કે તા.28/4/2026 (આખો દિવસ)ના રોજ સુધી દારૂના લાયસન્સ હોલ્ડર સહિત કોઈએ પણ પ્રાંતિય/ પરપ્રાંતિય કે દેશી દારૂનું કે અન્ય કોઈ પ્રતિબંધિત પીણાનુ વેચાણ કે વિતરણ કરવું નહીં.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદગારી કરનાર ગુજરાત નશાબંધી અધિનિયમ 1949ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર ઠરશે.


