ખલીલપુર ચોકડી નજીક ગોલ્ડન ફાર્મમાં ગરબા કોમ્પીટીશનમાં નશાખોરોએ ધમાલ કરતા મારામારી

મોડીરાત્રી સુધી કાર્યક્રમ ચાલુ રાખવા અંગે જાહેરનામા ભંગનો ગુનો દાખલ 

ખલીલપુર ચોકડી નજીક ગોલ્ડન ફાર્મમાં ગરબા કોમ્પીટીશનમાં નશાખોરોએ ધમાલ કરતા મારામારી

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૧
જૂનાગઢના ખલીલપુર ચોકડી નજીક આવેલા ગોલ્ડન ફાર્મ ખાતે થનગનાટ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્ર ઓપન ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ કોલેજો અને સંસ્થાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ગરબે ઘૂમવા માટે એકત્રિત થયા હતા. જોકે, હજારો લોકોની મેદની વચ્ચે મોડી રાત્રે અચાનક ઉગ્ર બબાલ અને છૂટાહાથની મારામારી સર્જાતાં સમગ્ર કાર્યક્રમ વિવાદમાં ઘેરાયો હતો અને ઉપસ્થિત લોકોમાં ભારે હડકંપ મચી ગયો હતો.આયોજકો પાસે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ સત્તાવાર રીતે ગરબા અને લાઉડસ્પીકર વગાડવાની પરમિશન હતી. આમ છતાં નિયમોના ધજાગરા ઉડાડીને મોડી રાત્રે ૧ વાગ્યા સુધી ગરબાનો કાર્યક્રમ ધમધમતો રાખ્યો હતો. આ સમયમર્યાદાના ભંગ વચ્ચે કેશોદથી આવેલા કેટલાક અસામાજિક અને ઉપદ્રવી ઈસમો કથિત રીતે દારૂ પીધેલી નશાની હાલતમાં ગરબા સ્થળે ઘૂસી ગયા હતા. તેમણે ગરબે રમતી યુવતીઓ અને મહિલાઓ સાથે અસભ્ય વર્તન તેમજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું.અસામાજિક તત્વોના અસભ્ય વર્તનને રોકવા માટે જ્યારે આયોજકો વચ્ચે પડ્યા, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. દારૂડિયાએ આયોજક સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી અને આયોજકના પત્નીને ભૂંડી ગાળો ભાંડીને તેમની સાથે મારપીટ કરી હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે. યુવાનોના બે જૂથો વચ્ચે જાહેરમાં છૂટાહાથની મારામારી સાથે ગાળાગાળીની વણઝાર સર્જાઈ હતી, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.
પરિસ્થિતિ વણસતાં જાગૃત નાગરિકો અને આયોજકોએ તુરંત કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને અશાંતિ સર્જનાર તત્વોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે મોડી રાત્રે આયોજકો અને સામા પક્ષ વચ્ચે અંદરોઅંદર સમાધાન થઈ ગયેલ. આ બનાવમાં બી ડીવીઝન પોલીસે આયોજક સામે મોડીરાત્રી સુધી ડીજે સ્પીકર વગાડી આજુબાજુમાં રહેતા લોકોને ત્રાસદાયક થાય અને હેરાનગતી થાય તે રીતે લાઉડ સ્પીકર વગાડી નોઈઝ પોલ્યુશનના નિયમ ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.