ગીરનાર જંગલમાં ભારે વરસાદમાં ફસાયેલા ૪૦ પ્રવાસીઓનું રેસ્કયુ કરાયું
જૂનાગઢ તા. ૨૧
જૂનાગઢ અને ગીરનાર ક્ષેત્રમાં ગઈકાલે બપોર બાદ ભારે વરસાદ તુટી પડયો હતો. અને આડેધડ પડી રહેલા વરસાદને કારણે જંગલ વિસ્તારમાં પણ ઝરણાઓમાં પાણી વહેવા લાગ્યા હતાં. આ દરમ્યાન ઈન્દ્રેશ્વરનાં જંગલમાં નાકા વિસ્તારથી આગળ આત્મેશ્વર તરફ ઝરણામાં ગઈકાલે બપોર બાદ અચાનક પાણીનો પ્રવાહ આવતાં અહીં આવેલા ૪૦થી વધારે પ્રવાસીઓ ફસાઈ ગયા હતાં. દરમ્યાન આ અંગેની જાણ મનપાનાં ફાયર વિભાગને તેમજ વન વિભાગને થતાં વન વિભાગનો કાફલો અને ફાયર વિભાગનો સ્ટાફ બનાવનાં સ્થળે દોડી આવ્યો હતો. અને તાત્કાલીક અસરથી રેસ્કયુ કરવામાં આવ્યું હતું. અને ફસાયેલા યાત્રીકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.


