કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે જસદણ અને વિંછીયા તાલુકાના ૧૦૧ ગામો માટે રૂા.૮.૪૭ કરોડનાં ૩૪૭ વિકાસના કામોનાં વર્કઓર્ડર અપાયા
રાજકોટ તા.ર૫
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જસદણ અને વિંછીયા તાલુકાના ૧૦૧ ગામો માટે રૂા.૮.૪૭ કરોડનાં ખર્ચે થનાર વિકાસનાં ૩૪૭ કામોનાં વર્ક ઓર્ડર એનાયત કર્યા હતાં. જેમાં મંત્રીએ જસદણ તાલુકાનાં ૫૫ ગામોમાં રૂા.૪.૩૭ કરોડનાં ૧૮૩ કામો તથા વિંછીયા તાલુકાનાં ૪૬ ગામોમાં રૂા. ૪.૧૦ કરોડનાં ખર્ચે ૧૬૪ કામોનાં વર્ક ઓર્ડર સરપંચશ્રીઓને એનાયત કર્યા હતા. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જસદણ નગરપાલિકા તેમજ વિંછીયા તાલુકા પંચાયત ખાતે આયોજિત વિકાસ કામોનાં વર્ક ઓર્ડર એનાયત કાર્યક્રમમાં જસદણ તથા વિંછીયા તાલુકામાં કરાયેલા વિકાસનાં કામોની મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂપરેખા આપી હતી. કેબિનેટ મંત્રીએ વિવિધ ગામોમાંથી આવેલા સરપંચઓને ગામની પ્રગતિ માટે સતત કાર્યરત રહેવા અને લોકસેવાના કાર્યો કરવા અપીલ કરી હતી. આ તકે સરપંચઓ સહિત જન પ્રતિનિધિઓને ગામના વિકાસ માટેનાં વર્ક ઓર્ડર એનાયત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગામ લોકોએ જે ભરોસો મૂક્યો છે, તેને સાબિત કરવાનો આ અવસર છે. દરેક ગામ સુરક્ષિત, સુવિધાયુક્ત અને વિકસિત ગામ બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સતત આગળ વધી રહ્યો છે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના વિકાસમાં સતત પ્રગતિ થઈ રહી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, વિકાસનાં કામો ગામેગામ થાય અને છેવાડાનાં માનવીને વિકાસની મુખ્ય ધારા સાથે જોડીને વિકસિત ભારતનાં સંકલ્પ સાથે આગળ વધવાનો આ અવસર હોવાનું મંત્રીએ કહ્યું હતું. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, ગામેગામ પીવાનું અને સિંચાઇનું પાણી, શાળાઓ, આરોગ્ય, રોડ-રસ્તા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. વિકસિત ભારતને સાર્થક કરવા ગામડા વિકસિત બને તે ખૂબ જરૂરી છે, ગામડાઓને આર્ત્મનિભર બનાવવા સરકારની કલ્યાણકારી યોજનાઓ કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. ગામમાં જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે, ગામ સતત પ્રગતિ કરે, ગામ સ્વચ્છ બને તે માટે સામુહિક રીતે ગામના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી કૃષિ યાંત્રિકીકરણ માટેની યોજનાઓ સહિતની સરકારની યોજનાનો લાભ જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તે રીતે એક્ટિવ રહેવા મંત્રીએ સરપંચઓને અનુરોધ કર્યો હતો.


