જૂનાગઢના સ્પામાં યુવતીનો આપઘાત, રહસ્યમય સંજોગોમાં જીવન ટૂંકાવ્યું
ઝાંઝરડા રોડ પર આવેલી સ્પામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી યુવતી, અઠવાડિયા પહેલા જ નોકરીએ લાગી હતી; કારણ જાણવા પોલીસની તપાસ શરૂ
જૂનાગઢ તા.11
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા એક સ્પામાં યુવતીએ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ યુવતી મૂળ ઉત્તરપ્રદેશની હતી અને થોડા સમયથી જૂનાગઢમાં રહી કામકાજ કરતી હતી.
મળતી વિગતો અનુસાર ‘નેચરલ સ્પા’ નામની સંસ્થામાં કાર્યરત 36 વર્ષીય બબીતા શોભિતે સ્પાની અંદર જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતકની બહેન છેલ્લા કેટલાંક વર્ષોથી આ જ સ્પામાં નોકરી કરતી હતી, જ્યારે બબીતા તાજેતરમાં જ અહીં જોડાઈ હતી. માત્ર એક અઠવાડિયાના સમયગાળામાં એવું શું બન્યું કે તેણીએ આટલું મોટું પગલું ભર્યું, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
હાલ પોલીસે સ્પાના સ્ટાફ તેમજ સંચાલકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઘટનાસ્થળેથી કોઈ નોંધ કે અન્ય પુરાવા મળ્યા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનો સાથે સંપર્ક સાધી સમગ્ર હકીકત જાણવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

મૃતક - બબીતા


