ઝાંઝરડા રોડ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકવાની વેપારીઓ અને નાગરિકોની માંગણી

અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે માનવજીવન બચાવવા માટે મહાનગરપાલિકાને રજુઆત

ઝાંઝરડા રોડ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકવાની વેપારીઓ અને નાગરિકોની માંગણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.22
જૂનાગઢ મહાનગર ઝાંઝરડા રોડ વેપારી એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કમિશનરને લેખિત પત્ર પાઠવી ઝાંઝરડા રોડ ઉપર તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકવાની રજૂઆત કરવામાં આવી છે. શહેરનો આ રોડ હાલમાં નવા રૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ રોડના નવીનીકરણ દરમ્યાન અગાઉ રહેલા તમામ સ્પીડ બ્રેકરો દૂર કરી દેવાતા વાહનચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝાંઝરડા રોડ શહેરના સૌથી વિકસિત અને વ્યસ્ત વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ ગણાય છે. રોજિંદા હજારો વાહનો આ રોડ પરથી પસાર થાય છે. ખાસ કરીને જુનાગઢ શહેરના અંદાજે 70 ટકા જેટલા દવાખાનાઓ તરફ જવા માટે નાગરિકોને આ રોડનો ઉપયોગ કરવો પડતો હોવાથી અહીં સતત ટ્રાફિકનું ભારણ રહે છે. ઝડપથી દોડતા વાહનોને કારણે અનેક નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે, જેમાં નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક કિસ્સાઓમાં જાનહાની પણ નોંધાઈ છે. સ્થાનિક વેપારીઓ, રહેવાસીઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા નાગરિકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો, વૃદ્ધો અને હોસ્પિટલ તરફ જતા દર્દીઓ માટે આ રોડ અત્યંત જોખમી બની ગયો છે. ઝાંઝરડા રોડ વેપારી એસોસિયેશને મહાનગરપાલિકા સમક્ષ નમ્ર પરંતુ દ્રઢ માંગણી કરી છે કે માનવજીવનની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ રોડ ઉપર તાત્કાલિક અસરથી જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર મુકવામાં આવે. સાથે જ ટ્રાફિક નિયંત્રણ માટે ચેતવણીના બોર્ડ, ઝેબ્રા ક્રોસિંગ અને સ્પીડ લિમિટના સૂચક ચિહ્નો પણ લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અંતમાં એસોસિયેશને જણાવ્યું હતું કે આ પ્રશ્ન માત્ર વેપારીઓનો નથી પરંતુ હજારો નાગરિકોના જીવ અને સુરક્ષાથી સીધો જોડાયેલો મુદ્દો છે. તેથી મહાનગરપાલિકા તાત્કાલિક સંવેદનશીલતા દાખવી યોગ્ય ર્નિણય લઈ જનહિતમાં ઝડપી કાર્યવાહી કરે તેવી સર્વત્ર માંગ ઉઠી રહી છે.