આદ્ય ગુરૂ શંકરાચાર્ય જયંતિ નિમિત્તે “સાહિત્ય સંગમ” કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રભાવના, સાહિત્ય અને સંસ્કૃતિના સમન્વય સાથે પ્રબુદ્ધજનોની વિચાર ગોષ્ઠિ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.11
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પ્રચાર વિભાગ(સાહિત્ય આયામ) દ્વારા આદ્ય ગુરૂ શંકરાચાર્ય જયંતિ નિમિત્તે “સાહિત્ય સંગમ” કાર્યક્રમનું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન જાેશીપુરા સ્થિત કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના લોક સાહિત્યકારો, કવિઓ, લેખકો, ભજનિકો, હાસ્ય કલાકારો, આખ્યાનકારો, કેળવણીકારો, સંગીત સાધકો તથા વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ અને પ્રબુદ્ધજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્ર ઉત્થાન, રાષ્ટ્ર વિકાસ અને રાષ્ટ્રભક્તિની ચેતનાને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો તેમજ સાહિત્ય અને સંસ્કૃતિના માધ્યમથી સમાજ જાગૃતિનું સશક્ત મંચ ઉભું કરવાનો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રીય એકતાનો ભાવ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયો હતો. કાર્યક્રમની શરૂઆત ભારતમાતા અને આદ્ય ગુરુ શંકરાચાર્યજીના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય અને વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલ વિચાર ગોષ્ઠિમાં વિવિધ વક્તાઓએ સમાજ જીવનમાં સાહિત્ય અને કળાની ભૂમિકા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાવ્યપાઠ, ભજન અને પ્રેરણાદાયી રજૂઆતો દ્વારા ઉપસ્થિતોમાં રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિ પ્રત્યેનો ઉમંગ વધુ પ્રબળ બન્યો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંતના કુટુંબ પ્રબોધન - ગતિવિધિ સંયોજક શ્રી કુમનભાઈ ખૂંટે આદ્ય ગુરુ શંકરાચાર્યજીના જીવનચરિત્ર અને તેમના અદ્વિતીય યોગદાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શંકરાચાર્યજીએ માત્ર 32 વર્ષની અલ્પ આયુષ્યમાં સમગ્ર ભારતભરમાં સંચાર કરીને હિન્દુ ધર્મનું પુનરુત્થાન કર્યું અને રાષ્ટ્રજીવનને આધ્યાત્મિક એકતાના સૂત્રમાં બાંધવાનો અભૂતપૂર્વ પ્રયાસ કર્યો હતો. તેમણે રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી “પંચ પરિવર્તન” વિષય પર વિશેષ વક્તવ્ય આપતાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વબોધ જેવા વિષયો પર વિશદ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રા દરમિયાન સેવા, શિક્ષણ, ગ્રામ વિકાસ, સંસ્કાર અને સમાજજાગૃતિ ક્ષેત્રે ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની માહિતીઓ પણ આપી હતી. શ્રી ખૂંટે ઉપસ્થિત સાહિત્યકારો અને કલાકારોને આહવાન કર્યું હતું કે, દેશને ફરી “સોનાની ચીડિયા” બનાવવા માટે પંચ પરિવર્તનના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવામાં સાહિત્યકારો અને પ્રબુદ્ધજનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રાષ્ટ્રસેવાના આ કાર્યમાં સમાજના દરેક વ્યક્તિનો સહભાગ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સાહિત્યકારો અને કલાકારો દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે લોકસાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી સહિતના પ્રબુદ્ધજનો એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રકાર્યમાં સમાજના દરેક વ્યક્તિની જવાબદારી મહત્વપૂર્ણ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે છેલ્લા 100 વર્ષ દરમિયાન અનેક પડકારો વચ્ચે પણ રાષ્ટ્ર ઉત્થાન માટે સતત કાર્ય કર્યું છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. આ તકે વિભાગ પ્રચાર પ્રમુખ ડો. પ્રણવભાઈ ત્રિવેદી, જિલ્લા કાર્યવાહ મિતુલભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ડો. સંજય કોરિયા દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવો, સાહિત્યકારો અને કલાકારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. “સાહિત્ય સંગમ” કાર્યક્રમને સફળ બનાવવા માટે આયામ સંયોજક સંજયભાઈ કોરિયા, જિલ્લા સંયોજક હિરેનભાઈ દાવડા, સહ-સંયોજક નિકુંજભાઈ રાવલ તથા પ્રચાર વિભાગના કાર્યકરોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ, પ્રેરણાદાયી અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.


