જૂનાગઢમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો, ઉમરાળા રોડ પરથી 1986 ચપટા વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ, 11.21 લાખનો મુદ્દામાલ જપ્ત : બે શખ્સ ફરાર

જૂનાગઢમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો, ઉમરાળા રોડ પરથી 1986 ચપટા વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ, 11.21 લાખનો મુદ્દામાલ જપ્ત : બે શખ્સ ફરાર

જૂનાગઢ તા.11
જૂનાગઢ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ઉમરાળા રોડ પર પોલીસે ફિલ્મી અંદાજમાં એક કારનો પીછો કરી તેને ઝડપી પાડી હતી. ખાનગી બાતમીના આધારે બાંધાળા અને ઉમરાળા વચ્ચે પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે માણેકવાડા તરફથી આવતી કાળા રંગની કિયા સોનેટ કાર શંકાસ્પદ લાગી હતી. પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે ખાનગી વાહન આડું મૂકી કારને કાબૂમાં લીધી હતી.
કારની તપાસ દરમિયાન પાછળની સીટ અને ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ-અલગ બ્રાન્ડના કુલ 1986 પ્લાસ્ટિકના ચપટા કબજે કર્યા હતા. દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 11.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઉમરાળા ગામના રાજેશ ઉર્ફે લાલો ભુપતભાઈ વાળા નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. આ કેસમાં સાંથણીના યુવરાજ વાળા અને બિલખાના કૌશિક વાળાનું નામ પણ ખુલ્યું છે. બંને હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે.
પકડાયેલા આરોપી સામે બિલખા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસે હવે દારૂનો સપ્લાય ચેઇન અને તેની પાછળના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો દોર શરૂ કર્યો છે.