જૂનાગઢ મનપાનું ૧૯ ફેબ્રુઆરીએ યોજાનાર જનરલ બોર્ડ તોફાની બનશે
બજેટમાં રૂા.૬ કરોડના કરબોજનો વિરોધ, તેમજ રસ્તા, ગટર, પાણી સહીતના પ્રાથમિક સુવિધાના પ્રશ્ને વિપક્ષનો મોર્ચો
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ મનપાનું આગામી તા.૧૯ ફેબ્રુઆરી અને ગુરૂવારના રોજ યોજાનાર જનરલ બોર્ડ તોફાની બને તેવા નિર્દેશો મળી રહયા છે. રસ્તા, ગટર, પાણી સહીતનાં પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને વિપક્ષ દ્વારા ઉગ્ર રજુઆતો કરવામાં આવશે અને શાસક પક્ષ સામે મોર્ચો ખોલશે તેમ મનાઈ છે. તાજેતરમાં જ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સુધારા-વધારા સાથેનું બજેટ જનરલ બોર્ડની બેઠકમાં મંજુર કર્યુ છે. પરંતુ આ બજેટમાં રૂા.૬ કરોડનો જે વધારો મુકવામાં આવ્યો છે તેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે અને આગામી તા.૧૯ ફેબ્રુઆરી ગુરૂવારનાં રોજ યોજાનાર જનરલ બોર્ડની બેઠકમાં આ વેરા વધારાનો વિરોધ કરવામાં આવશે. મનપા વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ જણાવ્યુું હતું કે, આડેધડ વેરા નાખી દેવામાં આવ્ છે તેનો વિરોધ કરવામાં આવશે અને જુદા જુદા પ્રશ્નો પણ મુકવામાં આવનાર છે. આ તકે વધુમાં વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ જણાવ્યું હતું કે, ગત વર્ષનાં મનપાનાં બજેટમાં રૂા.ર૭પ કરોડના રસ્તાના કામ માટેનું ટેન્ડર મુકાયું હતું રૂા.ર૭પ કરોડના જે કામો દર્શાવ્યા હતા તેમાંથી એક પણ કામ હજુ પુરા થયા નથી જેને કારણે રસ્તાઓની ખરાબ પરિસ્થિતીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મોટાભાગનાં રસ્તાઓ, ગલીઓનાં રસ્તાઓની પણ ખુબજ ખરાબ હાલત છે અને પ્રજા દુ:ખી છે. પાણીની યોજનાની વાત કરવામાં આવે તો પીવાના પાણી માટેની પાઈપલાઈન ૧૦૦ કિલોમીટર હજુ નાખવાની બાકી છે. જયારે ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ૬૦ કિલોમીટર હજુ બાકી છે. કોર્પોરેશનમાં વહીવટદાર શાસન દરમ્યાન રૂા.૪૦ કરોડનાં કામોની જાહેરાત થઈ હતી પરંતુ તે કામગીરી પણ હજુ અધુરી રહી છે. જૂનાગઢ શહેરની જનતા રસ્તા, પાણી અને ગટરનાં પ્રશ્નોથી પીડાઈ રહી છે તેમજ ગત બજેટમાં મુકવામાં આવેલા કામો એક વર્ષ થવા છતાં પુરા કરવામાં આવ્યા નથી તે અંગે વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ આક્રોશ વ્યકત કરેલ છે. તેમજ જણાવેલ છે કે, જુના કામો હજુ પુરા કરવામાં આવ્યા નથી. અને ત્યાં નવા કામોની જાહેરાત અને ફાળવણી શાસકોએ કરી છે. જૂનાગઢ શહેરની જનતાને રસ્તા, ગટર, પાણી સહીતની પ્રાથમિક સુવિધાનાં કામો વહેલી તકે પુર્ણ કરવાની માંગણી છે. દરમ્યાન આગામી તા.૧૯ ગુરૂવારનાં રોજ જનરલ બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષના નેતા લલીતભાઈ પણસારા પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને તેમજ રૂા.૬ કરોડનાં વેરા વધારાને રદ કરવાની માંગ સાથે વિરોધ પક્ષ દ્વારા વિવિધ પ્રશ્ને જનરલ બોર્ડમાં રજુઆત કરશે જેને લઈને આગામી જનરલ બોર્ડની બેઠક વિરોધ પક્ષનાં પ્રજાકીય પ્રશ્ને રજુઆતને પગલે તોફાની બને તેવી સંભાવના છે.


