જૂનાગઢ અને કેશોદનાં સોની વેપારીને નકલી સોનુ ધાબડી છેતરપીંડી કરનાર બંટી-બબલી ઝડપાયા

૧૫ રાજ્યના ૫૬ શહેરના સોનીઓને નકલી સોનું પધરાવી છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું : જુનાગઢ પોલીસે વડોદરામાંથી ઝડપી લઈ તપાસ હાથ ધરી

જૂનાગઢ અને કેશોદનાં સોની વેપારીને નકલી સોનુ ધાબડી છેતરપીંડી કરનાર બંટી-બબલી ઝડપાયા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જુનાગઢ તા. ર૧
જૂનાગઢ તેમજ કેશોદનાં સોની વેપારીને નકલી સોનુ ધાબડી દઈ અને છેતરપીંડી કરવામાં આવી હોવાનો બનાવ તાજેતરમાંં જ બનવા પામેલ આ સાથે જ સોની વેપારીને છેતરવા માટેની એક ગેંગ સક્રિય થઈ હોવાનું ઉચ્ચ કક્ષાએ રજુઆત થતાં જૂનાગઢ પોલીસે પણ આ બનાવને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસના અંતે ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરી અને નકલી સોનું પધરાવી સોની વેપારીઓને છેતરતા બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈને બાદમાં તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. આરોપી દંપતી સામે ૧૫ રાજ્યોના ૫૬ શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર કેશોદના સોની બજારમાં આવેલી ‘પાલા પ્રિયમ જ્વેલર્સ‘ના માલિક નરેન્દ્ર પાલાએ પોતાની સાથે થયેલ છેતરપીંડી અંગે જણાવ્યું હતું કે, ગત તા.૧૦ ના રોજ સાંજે ૬ વાગ્યે તેમની દુકાને એક દંપતિ આવ્યું હતું. દેખાવમાં બંગાળી લાગતા આ દંપતીએ દાગીના પસંદ કરી પોતાની પાસે રહેલો એક હાર વેપારીને આપી વિશ્વાસમાં લીધા હતા કે, "આ હાર તમે અત્યારે રાખો, પણ તેને ભાંગતા નહીં, અમે ૨ દિવસમાં બાકીના પૈસા ટ્રાન્સફર કરી અમારો હાર લઈ જઈશું તેમ જણાવ્યું હતું.
અને ચાલાકીપૂર્વક વેપારી પાસેથી રૂા.૨,૬૨,૦૦૦ની કિંમતના બે સોનાના ચેઈન અને ઉપરથી રૂા.૨૨,૦૦૦ રોકડા મેળવી લીધા હતા. કુલ રૂા.૨,૮૫,૦૦૦નો ચૂનો લગાડી તેઓ પલાયન થઈ ગયા હતા. વેપારીને શંકા જતા તેમણે હારની તપાસ કરી તો તે નકલી માલૂમ પડ્યો હતો. આરોપીઓએ આપેલા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા વેપારીએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો. સીસીટીવી ફૂટેજમાં આ દંપતિ કેદ થઈ ગયું હતું, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ ૩૦ ગ્રામનો એવો હાર બનાવતા હતા જેમાં ૨૦ ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી ૧૦ ગ્રામ સોનાનું વરખ ચડાવવામાં આવતું હતું. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા. દરમ્યાન વેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ આ કેસની તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પી.આઈ. કુણાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓનું પગેરૂ દબાવ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે, આ કપલ વડોદરા આસપાસ છે, જેના આધારે ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી દંપતીને ઝડપી પાડ્યું હતું. આ ઓપરેશન દ્વારા ગુજરાતમાં સક્રિય એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ માસ્ટરમાઈન્ડ દ્વારા દંપતિને તૈયાર નકલી દાગીના આપવામાં આવતા હતા. અને આ દંપતિને દરેક સફળ છેતરપિંડીના બદલામાં રૂા.૭,૦૦૦નું કમિશન મળતું હતું. તેઓ અત્યંત સાવચેતી રાખતા અને એક શહેરમાં માત્ર એક જ વેપારીને નિશાન બનાવી તરત જ બીજું શહેર પકડી લેતા હતા જેથી સ્થાનિક પોલીસ તેમને પકડી ન શકે તેવી વ્યુહરચના અપનાવતા હતા. દરમ્યાન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દંપતિ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના ૧૫ અલગ-અલગ રાજ્યોના ૫૬ શહેરોમાં આ પ્રકારે છેતરપિંડી આચરી છે.
દરમ્યાન પકડાયેલા બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા પૂરજાેશમાં ચાલી રહી છે. જૂનાગઢ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને પણ આ અંગે મેસેજ દ્વારા જાણ કરી છે. જે કોઈ વેપારી આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તેમને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.