શિવરાત્રીનાં મેળાનો લાખો ભાવિકોએ લાભ લીધો છે ત્યારે ભવનાથ મંદિરની પાંચ દિવસની આવક કેટલી?

એક ભાવિક રૂા.પ૦ કે રૂા.૧૦૦ ધરે તો પણ આંકડો લાખોમાં પહોંચે

શિવરાત્રીનાં મેળાનો લાખો ભાવિકોએ લાભ લીધો છે ત્યારે ભવનાથ મંદિરની પાંચ દિવસની આવક કેટલી?

જૂનાગઢ તા. ૧૭
લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શને દુર દુરથી  ભાવિકો આવતા રહયા છે. શિવરાત્રીનાં મેળા દરમ્યાન તો લાખો ભાવિકોએ ભવનાથ મહાદેવનાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે ત્યારે શિવરાત્રી મેળાની પાંચ દિવસની આવક કેટલી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. ભવનાથ તળેટી ખાતે યોજાયેલા શિવરાત્રીનો પાંચ દિવસનો મેળો તાજેતરમાં સંપન્ન થયો છે અને તંત્ર દ્વારા દાવા થઈ રહયા છે કે, શિવરાત્રીનાં મેળામાં પાંચ દિવસ દરમ્યાન લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. એક અંદાજ પ્રમાણે આ વર્ષે મેળામાં દશ લાખ કરતા વધુ ભાવિકો હોવાનું તંત્ર કહે છે. શિવરાત્રીનો મેળો કરવા જયારે શ્રધ્ધાળુઓ ભવનાથ ખાતે આવતા હોય છે. ત્યારે સાક્ષાત એવા ભવનાથ મહાદેવને દર્શન કરવા અને શીશ નમાવવા આવેજ. ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરતા ભાવિકો દર્શન કરતી વખતે પ્રત્યેક ભાવિક પૈકી કોઈ રૂા.૧૦, કોઈ રૂા.પ૦ કે કોઈ રૂા.૧૦૦ ધરેજ અને શક્તિ પ્રમાણે દાદાને ધરી અને પ્રાર્થના કરે અને ત્યારબાદ જ ત્યાંથી રવાના થાય. આમ ભવનાથ મહાદેવ પ્રત્યે અખુટ શ્રધ્ધા ધરાવતો મોટો સમુદાય છે. શ્રધ્ધાળુઓ લગભગ દરેક ભવનાથ મંદિરે શક્તિ પ્રમાણે ભેટ ધરેજ એટલે કહેવાનું એટલુંજ કે શિવરાત્રી મેળામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. અને ભવનાથ મહાદેવનાં  દર્શનનો લાભ પણ લીધો હતો. તો શિવરાત્રી મેળાના પાંચ દિવસની ભવનાથ મંદિરથી કેટલી આવક ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભવનાથ મહાદેવ મંદિરનો સઘળો વહીવટ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહયો છે. ભવનાથ મહાદેવ મંદિરના નવા મહંતની નિમણૂંક ન થાય ત્યાં સુધી  ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન છે.