શિવરાત્રીનો મેળો વિવિધ મુદ્દે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો
સામાન્ય લોકોએ પગપાળા મેળો કર્યો અને વીઆઈપીઓએ દર વખતની જેમ બાદશાહી જ ભોગવી
જૂનાગઢ તા.૧૭
ભવનાથ તળેટી ખાતે ગત તા.૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાયેલા શિવરાત્રીના દિવ્ય અને ભવ્ય મહામેળાનું સમાપન થયું છે ત્યારે આ વખતનો શિવરાત્રીનો મહામેળો અનેક પ્રશ્ને ભારે વિવાદનું કેન્દ્ર બનેલ છે. રોજબરોજ નીતનવા ફણગા ફુટતા રહે છે અને વિવાદ સમવાનો નામ લેતો નથી.
શરૂઆતથી જ એટલે કે શિવરાત્રી મેળાના પ્રારંભ પૂર્વે જ તંત્ર દ્વારા એવો કડક નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ વર્ષે શિવરાત્રી મેળામાં ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી જ ભાવિકોને પ્રવેશ મળશે. તેમજ વાહન પ્રવેશબંધીનો પણ સખ્ત પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને એક તકે તો મેળાના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમંચ ઉપરથી દાવો કર્યો હતો કે, શિવરાત્રીના મેળામાં આ વર્ષે વીઆઈપી કલ્ચરને ખતમ કરી નાંખ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કરેલા આ દાવાને તંત્રની લાપરવાહીને કારણે પોકળ સાબિત કર્યા છે. શિવરાત્રી મેળા દરમ્યાન વીઆઈપી લોકોને તેડવા, મુકવા માટે ખાસ ગાડીઓની વ્યવસ્થા અને અવર-જવર થતી હતી. લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર પણ પોતાના મિત્રો સાથે લેટેસ્ટ ગાડીમાં છેક ભવનાથ મંદિર સુધી પહોંચી ગયો હતો અને તેના વિડીયો પણ વાયરલ થયા છે. આ ઉપરાંત રાજભા ગઢવી પણ પોતાની ગાડીમાં શિવરાત્રીના મેળામાં આવ્યા હતા અને તેને પણ કોઈએ રોકટોક કરી ન હતી. મોરારી બાપુ પણ પોતાના કાફલા સાથે શિવરાત્રી મેળામાં આવ્યા હતા. તેમને પણ કોઈએ અટકાવ્યા નથી. જામનગરના સાંસદ પૂનમ માડમ પણ શિવરાત્રીના દિવસે જ ભવનાથ ક્ષેત્રમાં પોતાની ગાડી અને કાફલા સાથે બેરોકટોક બધે ફરતા હતા. આમ તંત્રના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. વીઆઈપીઓએ તો દર વખતની જેમ આ વખતે પણ પ્રવેશ મેળવી જ લીધો હતો અને શિવરાત્રી મેળામાં પણ દરેક સ્થળોએ ફર્યા હતા અને તેના વિડીયો પણ વાયરલ થયા છે.
આટલુ અધુરૂ હોય તેમ શિવરાત્રીના દિવસે મૃગીકુંડમાં સંતોના શાહી સ્નાન સમયે પણ ટીકટોક સ્ટાર કિર્તી પટેલ ભગવો ડ્રેસ ધારણ કરી અને મૃગીકુંડમાં સંતો સાથે શાહી સ્નાન કર્યું અને તેનો વિડીયો પણ વાયરલ થતા ભારે ભડકો થયો છે. કેટલાક સંતો તો કિર્તી પટેલ સાથે સેલ્ફી પણ લેતા હતા અને કેટલાક સંતો તેને મળ્યા પણ હતા. આટલી આટલી જડબેસલાક પોલીસ અને સલામતી દળોની કડક વ્યવસ્થા હોવા છતાં કિર્તી પટેલ મૃગીકુંડમાં બેરોકટોક પહોંચી જાય અને સ્નાન કરે તે અચરજ પમાડે તેવી વાત છે. ફરજ પરના અધિકારીએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતા તેની સામે પણ કિર્તી પટેલે હું આરોપી નથી તેવો બબડાટ કર્યો હતો. અને આ તેની હિંમત જાેવા મળી હતી. કિર્તી પટેલના મૃગીકુંડમાં સ્નાનની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક વિવાદ પણ ઉઠવા પામ્યો હતો. પોલીસ વિભાગના મહિલા પીઆઈ વરીયાએ પણ મૃગીકુંડમાં સ્નાન કર્યું તેના વિડીયો વાયરલ થયા છે અને તેને પણ સારી એવી ચર્ચા જગાવી છે. શિવરાત્રીનો આ વખતનો મેળો ભારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે.


