જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે શિવરાત્રીની ઉજવણી થશે
શિવ મંદિરોમાં સવારથી જ પૂજન સહીતનાં કાર્યક્રમો, ૐ નમ: શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે
જૂનાગઢ તા. ૧૪
આવતીકાલે મહાશિવરાત્રીનાં પાવન અવસરે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવીશે. સવારથી જ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. શિવમંદિરો દર્શનાર્થે ભકતોની ભીડ લાગશે. શિવરાત્રીના પર્વને ઉજવવા માટે ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.
દેવાધીદેવ ભગવાન શિવજીની ભક્તિ માટેનો શ્રેષ્ઠ દિવસ અને અવસર એટલે શિવરાત્રીનો પાવન અવસર છે. લોકવાયકા પ્રમાણે એક શિકારી શિકાર કરવા માટે જાળ બિછાવી હતી અને શિકારની રાહ જાેતો વૃક્ષ ઉપર ચડી ગયો હતો તે જે વૃક્ષ ઉપર ચડયો હતો તે બિલ્લીનું વૃક્ષ હતું. શિકાર ન મળવાથી શિકારીને જાણે અજાણે ઉપવાસ થઈ ગયો હતો અને બિલ્લીનાં વૃક્ષ ઉપર બેઠા બેઠા તે વૃક્ષનાં પાંદડા એટલે કે બિલ્લીપત્ર તોડીને નીચે નાખતો હતો. હવે જે સ્થળે બિલ્લીપત્ર નીચે નખાતા હતા ત્યાં નીચેજ શિવલીંગ હતું અને તેના પર બિલ્લીપત્રનો વરસાદ થવાથી આપોઆપ શિવજીની પૂજા થઈ ગઈ અને શિકારીને ઉપવાસ પણ થઈ ગયો હતો. આ તો દેવોના દેવ ભગવાન ભોળાનાથ તુરતજ શિકારી ઉપર પ્રસન્ન થયા અને શિકારીનાં તમામ દુ:ખ દર્દ દુર કર્યા હતા. ભગવાન ભોળાનાથ ખુબજ ભોળીયા દેવ છે અને તેમને ભજનારા ભકતોને કયારેય દુ:ખ ન થાય તે માટે ભોળાનાથનાં આશીર્વાદ ભકતો ઉપર કાયમ વરસતા જ રહે છે. આવા ભોળીયા દેવ ભગવાન શિવજીની ભક્તિ માટેનો અવસર એટલે શિવરાત્રીનું પર્વ છે. આવતીકાલે શિવરાત્રીનાં પાવન અવસરની જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ખુબજ આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. તેમજ શિવમંદિરોમાં વહેલી સવારથી જ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજાશે. બિલ્લીપત્રની પૂજા, જલાભિષેક, દુધાભિષેક તેમજ ભોલાનાથને ભોગનો પ્રસાદ પણ ધરાશે. શિવ મંદિરોમાં ભવિકો દર્શનાર્થે ઉમટી પડશે. તેમજ શિવાલયો ઓમ નમ:શિવાયનાં જાપથી ગુંજી ઉઠશે.


