જૂનાગઢના મધુરમ વિસ્તારમાં યુવતી પર પ્રેમીની પત્ની સહિત ત્રણ મહિલાઓનો હુમલો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતી મૈત્રી કરાર કરી રહેતી યુવતી પર પ્રેમીની પત્ની સહિત ૩ મહિલાઓએ હુમલો કરી મારમારી વાળ કાપી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ સી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સી ડીવીઝન પોલીસ મથકે યુવતીએ ઝરીનાબેન અસલમભાઈ સમા, ગુડીબેન અલ્લારખાભાઈ લાડક, સુફીયા અમીન ડફેર રહે.સાત વડલા મેંદરડાવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી આરોપી ઝરીનાબેનના પતિ સાથે મૈત્રી કરાર કરી રહેતા હોય અને ગુરૂવારે યુવતી બપોરના સમયે પોતાના ઘરે હતી. ત્યારે ઝરીનાબેન, સાસુ ગુડીબેન અને ઝરીનાની પિતરાઈ સુફીયા અમીનભાઈએ યુવતીના ઘરે આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઝરીનાને શંકા હતી કે, યુવતીએ અસલમને તેના ચારિત્ર્ય અંગે ખોટી વાતો કરી હતી. સુફીયા તથા ગુડીબેને પકડી રાખતા ઝરીનાએ છરી વડે યુવતીના વાળ કાપી હુમલો કરી માથા, નાકના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ ગળું દબાવી નાકમાં બચકું ભરી લીધું હતું. બાદમાં ત્રણેય જાનથી મારી નાખવાની ધમકી આપી જતી રહી હતી. ઘટનાની જાણ યુવતીની મિત્રએ અસલમને કરતા તેને ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. બનાવ દરમિયાન યુવતીનો સોનાનો ચેઈન અને મોબાઈલ પણ પડી ગયા હતા.


