શિવરાત્રી મેળામાં વાહન પ્રવેશબંધીનું ઉલ્લંઘન કરનાર માયાભાઈ આહિરનાં પુત્ર જયરાજ આહિર સામે તપાસનાં આદેશ
જૂનાગઢ તા. ૧૪
શિવરાત્રીનાં મેળા દરમ્યાન વાહન પ્રવેશબંધીનું ઉલ્લંઘન કરનાર જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનાં પુત્ર જયરાજ આહિર સામે તપાસનાં આદેશ જારી કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મીની કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે વીવીઆઈપી કલ્ચરને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતાં. જાેકે, જાણીતા લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના લીરેલીરા ઉડાડ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જ્યાં મંત્રી-આઈએએસ ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ પ્રાઈવેટ લકઝુરિયસ બસ લઈને આવે છે. લાખો ભાવિકો જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મહાદેવના શરણમાં જઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં સવાર થઈને છેક ભવનાથ તળેટીમાં મોડી રાતે પહોંચતા ભારે વિવાદ સર્જાયો છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએે તપાસના આદેશ આપ્યા છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મેળામાં ટ્રાફિક ન સર્જાય અને ભાવિકો શાંતિથી મેળો માણી શકે તે માટે અભૂતપૂર્વ ર્નિણય લેવાયો હતો. જેમાં કોઈપણ ખાનગી વાહન કે બાઈકને મેળાના ક્ષેત્રમાં પ્રવેશની મનાઈ છે.
દર વર્ષે પોલીસ તંત્ર દ્વારા વાહનો માટે જે ‘પ્રવેશ પાસ‘ ઇસ્યુ કરવામાં આવતા હતા, તેના પર પણ આ વર્ષે સંપૂર્ણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. માત્ર મેળાની ફરજ પરના કર્મચારીઓ સમયસર પહોંચી શકે તે માટે ગિરનાર દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ખાસ પ્રાઇવેટ ટ્રાવેલર્સની બસો મુકાઈ છે, જેથી કર્મચારીઓ શિફ્ટ મુજબ અવરજવર કરી શકે. આટલી કડક વ્યવસ્થા હોવા છતાં, જયરાજ આહિરની ખાનગી બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચી ગઈ? શું રસ્તામાં આવતી પોલીસ ચેકપોસ્ટ પર કોઈએ તેમને રોકવાની હિંમત ન કરી? આ પ્રશ્નો અત્યારે જૂનાગઢમાં ચર્ચાનો વિષય બન્યા છે. જયરાજ આહિરે પોતાના મિત્રો સાથે રાત્રિના સમયે ભવનાથમાં દર્શન કર્યા અને આ દરમિયાન તેમની ખાનગી બસ ત્યાં ઉભેલી જાેવા મળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોએ તંત્રની બેધારી નીતિ સામે રોષ ઠાલવ્યો છે. એક તરફ શ્રદ્ધાળુઓ ઉઘાડા પગે ચાલે છે અને બીજી તરફ વગદાર લોકો બસ લઈને ફરે છે, તે જાેઈને ભક્તગણમાં નારાજગી જાેવા મળી રહી છે. આ વિવાદ અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, "આ વર્ષે મેળામાં વીઆઈપી કલ્ચરને કોઈ સ્થાન નથી. આ ઘટના વિશે માહિતી મળતા જ અમે તપાસના આદેશ આપી દીધા છે. કયા સંજાેગોમાં અને કોની મંજૂરીથી આ ખાનગી બસ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થશે.


