ગિરનાર પર્વત ઉપર બિરાજતાં અંબાજી માતાજીનાં દર્શને શ્રધ્ધાળુઓ ઉમટી પડયા

ગિરનાર પર્વત ઉપર બિરાજતાં અંબાજી માતાજીનાં દર્શને શ્રધ્ધાળુઓ ઉમટી પડયા

જૂનાગઢ તા. ૧૬
શિવરાત્રી મેળાનાં પાવનકારી અવસરે ગઈકાલે મેળાનાં અંતિમ દિવસે લાખોની સંખ્યામાં ભાવિકો મેળામાં ઉમટી પડયા હતાં. ભવનાથ ખાતે મેળામાં આવનારા શ્રધ્ધાળુઓનો પ્રવાહ અંબાજી માતાજીનાં મંદિરે પણ દર્શનાર્થે ઉમટી પડયો હતો. ગિરનાર રોપ-વે કાર્યરત થયા બાદ ભાવિકોનો સતત પ્રવાહ અંબાજી મંદિરે દર્શનાર્થે જતો હોય છે.  ભવનાથનાં શિવરાત્રી મેળામાં વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઓટ આવી ન હતી. ભરડાવાવ અને ગિરનાર દરવાજા ગેઈટથી પગપાળા આવેલા શ્રધ્ધાળુઓ ભવનાથ મહાદેવનાં દર્શન કરી અને ત્યાંથી અન્ય ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જતા હતાં.  ખાસ જાેવાની બાબત તો એ હતી કે અંબાજી માતાજી મંદિર કે જે ગિરનારનાં સાડા પાંચસો પગથીયા આવેલા છે ત્યાં પણ શ્રધ્ધાળુઓ પગપાળા માતાજીનાં દર્શને પહોંચ્યા હતાં. અને શ્રધ્ધાપૂર્વક માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. ગિરનાર અંબાજી મંદિર પરની સીડીઓ તેમજ મંદિર પરીસરમાં પણ પગ મુકવાની જગ્યા ન હોય તેવી ભીડ જાેવા મળી હતી.