સોમનાથનો અવિસ્મરણિય અનુભવ વ્યક્ત કરતા સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર

સોમનાથનો અવિસ્મરણિય અનુભવ વ્યક્ત કરતા સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર

ગીર-સોમનાથ તા.૧૬
મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયેલા પર્વના પહેલા દિવસે સોમનાથ પધારેલા સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરે પોતાના અવાજમાં શ્રદ્ધાળુઓને શિવમય બનાવ્યાં હતાં. કૈલાશ ખેરે સોમનાથ મંદિર દર્શન અને પ્રભાસક્ષેત્રમાં આગમનનો અવિસ્મરણિય અનુભવ વ્યક્ત કર્યો હતો. કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, ગુજરાત એ એક એવી ધરતી છે, જેના અલગ-અલગ ભાગમાં આધ્યાત્મિક વિસ્મય છૂપાયેલા છે. ભારતમાં મહેલ અને કિલ્લાઓ અઢળક જગ્યાએ છે પરંતુ ગુજરાત એવી ધરતી છે, જ્યાં મહેલ-કિલ્લાઓની સાથે જ ધર્માલય, દેવાલય અને મંદિરોની ભૂમિ છે. મંદિરની વાત કરતા કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સહિત ગુજરાતની ભૂમિ પરના મંદિરોની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. જે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો સંદેશો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રાજ્ય સરકાર દ્વારા આધ્યાત્મિક ચેતનાના પ્રસરણ માટે અઢળક કાર્ય થઈ રહ્યું છે. પૌરાણિક ભૂમિ પર સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સરકાર ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે.

સમગ્ર ભારતને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આમ કહી તેમણે વડાપ્રધાનનો અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથના આંગણે અનેક કલાકારો પોતાના સૂર થકી શ્રદ્ધાળુઓને શિવત્વનો અનુભવ કરાવી રહ્યાં છે. મહાશિવરાત્રી નિમિત્તે ગાયક પાર્થ ઓઝાએ શિવભજનોની પ્રસ્તુતિ કરી અને નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. પાર્થ ઓઝાએ જણાવ્યું હતું કે, તમામ શ્રદ્ધાળુઓ માટે ગર્વની વાત છે કે, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ એટલે કે અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ પૂરા થયાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સોમનાથ ધામમાં સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ સમક્ષ શિવભજનોની પ્રસ્તુતિ કરવી એમાં મારી જાતને સૌભાગ્યશાળી માનું છું. રાજ્ય સરકાર સાથે ગુજરાત ટૂરિઝમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના સંકલનથી અહીં ખૂબ જ સુંદર મજાનું આયોજન થયું છે. જેને શ્રદ્ધાળુઓ મનભરી માણી રહ્યાં છે.

મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે યોજાઈ રહેલા પર્વમાં ગાયક ઉર્વશી રાદડિયાએ પણ શ્રદ્ધાળુઓને પોતાના સૂરીલા અવાજમાં શિવસ્તુતી સહિતના ભજનો રજૂ કરી અને મંત્રમુગ્ધ કર્યા હતાં. ઉર્વશી રાદડિયાએ સોમનાથની ભૂમિ પરનો પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. ‘સોમનાથ મહાદેવ ભોળિયા....’ ભજન થકી પોતાની ખુશી વ્યક્ત કરતા ગાયક ઉર્વશી રાદડિયાએ જણાવ્યું હતું કે, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ થકી અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિના પાવન અવસરે સોમનાથદાદાના સાન્નિધ્યમાં ભોળાનાથના ભજન-ર્કિતન અને સૂર પીરસવાનો અવસર પ્રાપ્ત થયો છે. સોમનાથ દાદાની લહેરાતી ધજા એ આસ્થાનું પ્રતિક છે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં પધારી રહ્યાં છે. સોમનાથના આંગણે પર્ફોર્મન્સ આપવું એ દિવ્ય અને અલૌકિક અનુભૂતિ છે. આ સાથે જ તેમણે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઉત્તમ વ્યવસ્થાઓ બદલ રાજ્ય સરકાર અને ગુજરાત ટૂરિઝમનો પણ હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.