ડોલર સામે રૂપિયાનું રેકોર્ડબ્રેક ધોવાણ : 96.40
(એજન્સી) નવી દિલ્હી,તા.19:
પશ્ચિમ એશિયામાં યુધ્ધની સ્થિતિ, પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી ભૂ-રાજકીય પરીસ્થિતિ અને શેરબજારમાં સતત ગભરાટના વાતાવરણ સહિતના કારણે ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા સામે ગંભીર પડકારો સર્જાયા છે. તેની સૌથી ગંભીર અસર રૂપિયા પર પડી છે.
ડોલર સામે રૂપિયાનું રેકોર્ડબ્રેક ધોવાણ થઈ રહ્યું છે. દરરોજ ડોલર સામે રૂપિયો નવું તળીયું બનાવે છે. આજે પણ ડોલર સામે રૂપિયાનું રેકોર્ડબ્રેક ધોવાણ થયું છે અને 96.40ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. ડોલર સામે રૂપિયો સતત ગગડતા રહેતા વિદેશયાત્રા, વિદેશમાં ભણવા જઈ રહેલા વિદ્યાર્થીઓ અને આયાતકારોને ભારે ગંભીર ફટકો પડી રહ્યો છે. રિઝર્વ બેંક અને સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવા છતાં રૂપિયાનું ધોવાણ અટકવાનું નામ લઈ રહ્યો નથી અને સરકારની ચિંતાઓ સતત વધી રહી છે.


