દેશમાં વીજ પુરવઠાની માંગ 260 ગીગાવોટની ઐતિહાસીક સપાટીએ પહોંચી
નવી દિલ્હી તા.20:
દેશમાં અનેક રાજ્યોમાં તીવ્ર હીટવેવને કારણે વીજળીની માંગ અત્યંત વધી છે. દેશમાં વીજળીની માંગ 260.45 ગીગાવોટની ઐતિહાસિક ટોચ પર પહોંચી હતી. ભારે ગરમીને કારણે એર કન્ડિશનર અને કૂલરની માંગ વધી છે.
વીજ મંત્રાલયે જાહેર કરેલા ડેટા અનુસાર આ સિઝનમાં એક દિવસ અગાઉ તા.18ને સોમવારે બપોરે 3.42 વાગે 257.37 ગીગા વોટ વિક્રમી માંગ નોંધાઈ હતી. તેના એક જ દિવસ બાદ તા.19 મે મંગળવારે બપોરે 3.40વાગે 260.45 ગીગાવોટ વીજળીની માંગ નોંધાઈ હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ગત મહિને 25 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3.38 વાગે 256.11 ગીગાવોટની અત્યાર સુધીની સર્વોચ્ચ વીજ માંગ જોવા મળી હતી. આ માંગ પૂરી કરવામાં આવી હતી. મંત્રાલયના અંદાજ અનુસાર ચાલુ ઊનાળામાં મહત્તમ 270 ગીગા વોટ માંગ જોવા મળશે.


