રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય
ગાંધીનગર તા. ૧૬
રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા (Identity Proof) કે રહેઠાણના પુરાવા (Address Proof) તરીકે માન્ય નહીં ગણાય.
આ અંગે એક પરિપત્ર જાહેર કરીને કહેવાયું છે કે, રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.
સરકારના આ ર્નિણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજાે માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજાેનો ઉપયોગ કરવો પડશે. આ ર્નિણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું મનાય છે.


