મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢવાસીઓને નરસિંહ સરોવરની ભેટ આપશે
કુલ રૂા. ર૧પ.૬પ કરોડનાં જનસુખાકારી અને વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હૂતનાં કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ શહેરની જનતા જેની આતુરતાભરી રાહ જાેઈ રહી હતી તે સમય આજે આવી ગયો છે. શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનાં લોકાર્પણ માટેનો ભવ્ય કાર્યક્રમ આજે યોજવામાં આવી રહયો છે. ગુજરાતનાં પ્રજા વત્સલ અને સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢવાસીઓને નરસિંહ મહેતા સરોવરની ભેટ આપનાર હોય તેને લઈને શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપેલી છે.
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન માટેની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાં અંદાજીત રૂ. ૭૦ કરોડનો ખર્ચ થવા જાય છે. નરસિંહ મહેતા સરોવરને કાંકરીયાનાં ર્કાનિવલ તળાવ સમુ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરીજનોને નરસિંહ મહેતા સરોવરની ભેટ આપશે. આ ઉપરાંત વિવિધ જનસુખાકારનાં વિકાસનાં કાર્યો મળી કુલ રૂ. ર૧પ.૬પ કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરનાર છે અને જે અંગેની તમામ તૈયારીઓને ઓપ આપવામાં આવ્યો છે. ખાસ કરીને નરસિંહ મહેતા સરોવરને અત્યંત નયનરમ્ય બનાવવાનાં પ્રયાસોમાં હજુ કેટલીક કામગીરી બાકી છે તેમજ અનેક ક્ષતિઓ પણ હજુ રહેલી છે. લોકાર્પણ માટેની તૈયારીનાં ભાગરૂપે નરસિંહ મહેતા સરોવર ખાતે આકર્ષક રૂપરંગ, શણગાર તેમજ રેડ કાર્પેટ બીછાવવા સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની આજની જૂનાગઢની મુલાકાતને આવકારવા માટે ભારે થનગનાટ જાેવા મળી રહયો છે. આજે જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીટીસી હેલિપેડ ખાતે બપોરે ૪ વાગ્યા આવી પહોંચશે જયાં તેમનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ તેઓશ્રી નરસિંહ મહેતા સરોવરનાં શહિદ સ્મારક ખાતે તકતી અનાવરણ કરી અને પુષ્પાંજલી અર્પણ કરશે આ સાથે જ મહાનગર પાલિકાનાં ફાયર સેફટીનાં વાહનોનું પણ લોકાર્પણ કરી લીલી ઝંડી આપશે. ઉપરાંત નવિનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું પણ મુખ્યમંત્રીશ્રી નિરિક્ષણ કરશે અને ત્યારબાદ જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જૂનાગઢ શહેર અને જીલ્લાનાં કુલ રૂ. ર૧પ.૬પ કરોડનાં ર૬ જેટલા જન સુખાકારીનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હુતનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને એક સભાને પણ સંબોધન કરશે. આજનાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીશ્રી સાસણ જવા માટે રવાના થશે તેમ જાણવા મળે છે.





