વિવાદાસ્પદ કિર્તી પટેલે સાધુ-સંતો સાથે જ મૃગીકુંડમાં ડુબકી લગાવતાં ભારે ખળભળાટ
ભવનાથનાં શિવરાત્રી મેળામાં કિર્તી પટેલનાં ‘સ્નાન’ સામે વિવાદનો મધપૂડો છંછેડાયો : સંતોમાં ભારે રોષ
જૂનાગઢ તા. ૧૬
ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળાનો કાલે અંતિમ દિવસ હોય અને ખાસ તો રવાડી સરઘસ તેમજ સંતોનાં મૃગીકુંડમાં સ્નાનને ખુબ જ મહત્વ અને આકર્ષણ રહેલ છે. દરમ્યાન ગઈકાલે સોશ્યલ મિડીયાની ઈન્ફલુએન્સર કિર્તી પટેલે ભગવા કપડા પહેરી મૃગીકુંડમાં ડુબકી મારી અને સ્નાન કર્યાનાં બનાવનાં પગલે ભારે વિવાદ ઉભો થયો છે. મોટાભાગનાં સંતો કિર્તી પટેલનાં આ કૃત્યથી દુ:ખી અને વ્યથીત થયા હતાં. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જાેવા મળી હતી. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે રવેડી સમયે જ ભગવા કપડા સાથે કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હતી. રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુઓનું શાહી સ્નાન શરૂ થતા ત્યાં પણ પહોંચી જતા વિવાદ સર્જાયો છે. સાધુઓની વચ્ચે જ કીર્તિ પટેલ ડૂબકી લગાવતી જાેવા મળી હતી. જેના પર તંત્રનું ધ્યાન પડતા જ તેને તાત્કાલીક દૂર કરવામાં આવી હતી. કિર્તી પટેલનાં આ કૃત્ય સામે નારાગજી વ્યકત કરતા મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ કહ્યું હતું કે, રવેડી બાદ સાધુ સંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરે છે. ત્યારે દુ:ખની વાત એ છે કે, સાધુના કપડા પહેરીને કેટલાક લોકો જ્યારે સ્નાન કરે છે ત્યારે દુ:ખ થાય છે. દરમ્યાન કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન બાબતે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરીશું. જાે કોઈ ગેરકાયદે કૃત્ય અથવા તો ધાર્મિક લાગણી દુભાઈ હશે તો જરૂર કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કાયમને માટે નિતનવા વિવાદો ઉભા કરનાર કિર્તી પટેલ શિવરાત્રી મેળામાં પણ પોતાનાં લખણ જલકાવતા ભારે ચકચાર જાગી ઉઠી છે. જાેવાનું એ રહે છે કે કિર્તી પટેલનાં આ ઉંબાડયા સામે તંત્ર કેવી કાર્યવાહી કરે છે.


