ઈરાને અખાતના દેશોને ધમકી આપી : જાે અમેરીકાએ હુમલો કર્યો તો સમગ્ર ગલ્ફના ઉર્જા સ્થળોને નિશાન બનાવીશું
(એજન્સી) તહેરાન તા.૬
ઈરાને ગલ્ફ દેશોને ચેતવણી આપી છે કે જો અમેરિકાએ તેના ઉર્જા માળખા પર ફરી હુમલો કર્યો, તો તે સમગ્ર વિસ્તારના ઓઈલ ઠેકાણાઓ, રિફાઇનરીઓ અને અન્ય મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઇરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સાઉદી અરેબિયા, કતાર, તુર્કીયે અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાત કરીને અમેરિકા પર દબાણ લાવવાની અપીલ કરી હતી, જેથી નવો હુમલો ટાળી શકાય.
ઈરાનનું કહેવું છે કે તે હજુ પણ રાજદ્વારી સમાધાન ઈચ્છે છે, પરંતુ જો હુમલો થયો તો જવાબ પહેલાં કરતા મોટો હશે. આ પછી સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરીને સૈન્ય કાર્યવાહી ટાળવા અને વાતચીત ચાલુ રાખવાની અપીલ કરી છે.


