આજથી પિતૃઓનું તર્પણ કરવાનું મહાપર્વ શ્રાધ્ધનો પ્રારંભ

આજથી પિતૃઓનું તર્પણ કરવાનું મહાપર્વ શ્રાધ્ધનો પ્રારંભ

જૂનાગઢ તા. ૮
આજ સોમવારથી પિતૃઓનું તર્પણ કરવાનું મહા પર્વ ‘શ્રાધ્ધ’નો પ્રારંભ થયો છે. પિતૃઓ પ્રત્યે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક સ્નેહાદર પ્રગટ કરીને ઋણ મુકત થવાનાં મહાપર્વ શ્રાધ્ધપક્ષને ભાવભેર ઉજવવામાં આવશે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં પિતૃતર્પણ માટેનાં વિશેષ કાર્યો આ દિવસોમાં કરવામાં આવશે અને શ્રધ્ધાપૂર્વક શ્રાધ્ધપક્ષની ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવશે.
આપણને ઉછેરવામાં, ઘડવામાં અને સંસ્કારનું સિંચન કરવામાં આપણા દિવગંત પૂર્વજાે, પિતૃઓ, માતા-પીતા વગેરેનું અમુલ્ય પ્રદાન છે. એમનાં ઉપકારો અને કાર્યોનું સ્મરણ કરી તેમનાં પ્રત્યે શ્રધ્ધા-ભકિતભાવ પૂર્વક સ્નેહાદાર પ્રગટ કરી અને પિતૃતર્પણ કરવામાં આવે તેને ‘શ્રાધ્ધપક્ષ’ કહેવામાં આવે છે. પિતૃઓને શ્રધ્ધાપૂર્વક, વિધિપૂર્વક જે કાંઈ અન્ન, દુધ, ખીર, જળ અપાય તે શ્રાધ્ધ કહેવાય. ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી પિતૃપક્ષ-શ્રાધ્ધપક્ષ કહેવાય છે. આ પક્ષમાં દરરોજ શ્રાધ્ધ ન કરાય તો એક શ્રાધ્ધ પિતૃની મરણતિથીએ કરવામાં આવે છે. એક જમાનામાં શ્રાધ્ધપક્ષમાં કાગવાશ નખાતી હતી. કાગવાહ એટલે શ્રાધ્ધનાં દિવસે પિતૃ નિમિત્તે બલી નાખવા માટે કાગડાને આમંત્રણ આપવામાં આવતો હતો અન કાગડા-કાગડાવારા, વારાનો ઉદગાર કરાતો હતો. કાગડા અદ્રશ્ય થઈ ગયા છે જેથી કાગવાહનો અવાજ ભાગ્યે જ સંભળાય છે. પૂર્વનોને દેવતુલ્ય માની અને શ્રાધ્ધ ક્રિયા આજે પણ કરવામાં આવે છે. આજ તા. ૮-૯-રપ સોમવારનાં ભાદરવા વદ-૧થી તા. ર૧-૬-રપ દરમ્યાન શ્રાધ્ધપક્ષની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રધ્ધાળુઓ ભાવિકો દ્વારા પોતાના ઘરે સ્વજનોની મૃત્યુતિથિ નિમિત્તે પૂર્વજાેનું શ્રાધ્ધ કર્મ કરવામાં આવે છે. દિવગંતોની વિધી વિધાન સાથે પૂજન વિધિ કરી શ્રાધ્ધ કરવામાં આવશે અને ભાવપૂર્વક અન્ન, દુધ, ખીર, જળ આપવાની વિધી ભાવપૂર્વક કરવામાં આવશે. આ ઉપરાંત શાસ્ત્રકથન પ્રમાણે કાગડા જેવા પશુ-પંખી તેમજ વિધ્વાન બ્રાહ્મણો પણ પિતૃઓનાં સ્વરૂપો છે તેથી તેમને અપાયેલી જલાંજલી દાન-ભોજન વગેરે પિતૃઓને પહોંચે છે તેવી માન્યતા છે. બધા પિતૃઓનું સામુહિક શ્રાધ્ધ કરવાનો દિવસ તે સર્વ પિત્રી અમાસ છે. આ અમાસનાં પર્વે નર્મદા, ગંગા, સરયુ, પ્રભાસ-ત્રિવેણી જેવી નદીઓનાં કિનારે તેમજ જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે શ્રાધ્ધ કરીને તેના જળથી તર્પણ કરવાથી પિતૃઓનો ઉધ્ધાર થાય છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં શ્રાધ્ધપક્ષની ખુબ જ ભાવભકિત પૂર્વક ઉજવણી કરવામાં આવશે. દામોદરકુંડ, પ્રાચી તિર્થ સ્થાન સહીતનાં ધાર્મિક સ્થળોએ શ્રધ્ધાળુઓ દ્વારા પિતૃતર્પણ વિધિનાં વિવિધ ધાર્મિક કાર્યો કરીને પિતૃઓની પૂજનવિધિ સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. આ સાથે જ પિતૃતર્પણ વિધિ માટેનાં વિશેષ ધાર્મિક કાર્યો ઠેર ઠેર યોજવામાં આવશે.