ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર

પ્રત્યેક લાયસન્સ માટે રૂા.ત્રણ થી આઠ હજાર પડાવતો હતો

ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૭
કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે ઝડપી લઇ, બે દિવસના રિમાન્ડ પર લીધો છે.  કલ્યાણપુર સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકારની વિગત મુજબ કલ્યાણપુરમાં સરકારી હોસ્પિટલ સામે રહેતો અને પોસ્ટ ઓફિસમાં અવાર-જવર કરતો કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઈ સોમૈયા નામના ૨૫ વર્ષના શખ્સ દ્વારા બોગસ લાયસન્સ બનાવવામાં આવતા હોવા અંગેની માહિતી એલસીબી વિભાગના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ ગોજીયા અને પરેશભાઈ સાંજવાને મળતા આને અનુલક્ષીને એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી પોલીસે અલગ અલગ વ્યક્તિઓના ૧૨ બોગસ લાયસન્સ, રૂપિયા ૫,૨૦૦ રોકડા તેમજ એક મોબાઈલ ફોન અને મોપેડ સહિત કુલ રૂા.૩૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછતાછમાં ઉપરોક્ત શખ્સ પોસ્ટ ઓફિસને લગતી કામગીરી કરતો હોય, તે અવારનવાર આરટીઓને લગત ડ્રાઇવિંગ લાયસન્સ પણ બનાવી આપતો હોવાની વાતોમાં ફસાવી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અજાણ અને અણસમજુ જેવા લોકોને પોતે આરટીઓ એજન્ટ હોવાની વાતો કરી અને જાસામાં લેતો હતો. આમ, ઉપરોક્ત શખ્સ કોઈપણ પ્રકારની ટ્રાયલ કે પરીક્ષા વગર ઓરીજનલ લાયસન્સ ઘર બેઠા મળી જવાના ખોટા વાયદા આપી અને પ્રત્યેક લાયસન્સ દીઠ રૂા.૩,૦૦૦ થી ૮,૦૦૦ ની રકમ રોકડ કે ઓનલાઇનથી લઈ લેતો હતો. આ માટે તે મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ મારફતે અન્ય વ્યક્તિના લાયસન્સનો ફોટો પાડી, તેમાં એડિટિંગ કરી, તેની પ્રિન્ટ આઉટ લેમિનેશન કરાવી અને બોગસ ડ્રાયવિંગ લાયસન્સ બનાવી આપતો હોવાનું જાહેર થયું છે. આ શખ્સએ અત્યાર સુધીમાં આશરે ૩૦૦ થી ૪૦૦ જેટલા લોકોના ર્લનિંગ અને પાકા લાયસન્સ બનાવી આપી, સરકાર સાથે પણ ઠગાઈ કરી હોવાનું વધુમાં જાહેર થયું છે. ઝડપાયેલા આ શખ્સને પોલીસે સ્થાનિક કોર્ટમાં રજૂ કરી અને આ પ્રકરણના અન્ય શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો કબજે કરવા માટે રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી કાંબલીયા, જેસલસિંહ જાડેજા, મયુરભાઈ ગોજીયા, ગોવિંદભાઈ, પરેશભાઈ, લાખાભાઈ, શક્તિસિંહ, હસમુખભાઈ, વિશ્વદીપસિંહ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. કલ્યાણપુરના આ કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઈ સોમૈયા પાસે જે-જે વ્યક્તિઓએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યા હોય, તે લોકોએ સ્વૈચ્છિક રીતે આગળ આવી અને પોલીસનો સંપર્ક કરી, તપાસમાં સહકાર આપવા તેમજ આવા બોગસ આરટીઓ એજન્ટના નામે તેમજ આરટીઓમાં ટ્રાયલ આપ્યા વગર ઓરીજનલ ડ્રાયવિંગ લાયસન્સ ઘર બેઠા મળી જશે તેવા ખોટા જાસામાં નહીં ફસાવવા માટે પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.