ખંભાળિયામાં આઠ માસ પૂર્વે થયેલી લૂંટ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

એસ.ઓ.જી. પોલીસે વાય.કે.જી.એન. સોસાયટી પાસેથી આરોપીને દબોચ્યો

ખંભાળિયામાં આઠ માસ પૂર્વે થયેલી લૂંટ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.14
ખંભાળિયા શહેર નજીક થોડા સમય પૂર્વે થયેલી લૂંટના ગંભીર ગુનાનો નાસતો ફરતો આરોપી આખરે એસ.ઓ.જી. પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં યોજાતા શિરેશ્વર લોકમેળામાં આજથી આશરે આઠ માસ પૂર્વે લૂંટ થવા અંગેનો ગુનો અહીંના પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણમાં અહીંની શિવમ સોસાયટી, ખામનાથ મંદિર પાસે રહેતા ફેઝાન ઉર્ફે ડાડો હુસેન સિદુ મજગુલ નામના 20 વર્ષના મુસ્લિમ સીદી યુવાનનું નામ ખુલવા પામ્યું હતું. લૂંટના ગંભીર ગુનામાં પોલીસ પકડથી દૂર રહીને નાસતા ફરતા આરોપી સંદર્ભે એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, વિજયસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને અહીંની વાય.કે.જી.એન. સોસાયટી ખાતેથી ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેની આગળની કાર્યવાહી અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.