જૂનાગઢ જીલ્લાના બિલખા ગામે યોગ જાગૃતિ કાર્યક્રમ સાથે કેન્સર અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ, તા.૨૪
જૂનાગઢ જિલ્લાના બીલખા ગામમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી ના માર્ગદર્શન હેઠળ યોગ પ્રચારને કેન્દ્રમાં રાખી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્સર જેવી ગંભીર બીમારી અંગે જાગૃતિ ફેલાવવા સાથે તા.૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખી પ્રોટોકોલ યોગ શિબિર અને સંવાદ યોજાયો હતો.
જઆ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કોઓર્ડીનેટર જયંતીલાલ કાછડીયા, સોનલબેન બગડા, આશીર્વાદ ફાઉન્ડેશનના કોઓર્ડીનેટર વર્ષાબેન રાદડિયા તથા યોગ કોચ ગાજીપરા ગ્રીષ્માબેન હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોગના મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ નિયમિત યોગ દ્વારા આરોગ્યને કેવી રીતે સુધારી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે જીવનશૈલીમાં સુધારા અને યોગનું મહત્વ વિશેષ રીતે સમજાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા ૮૦ સ્થાનિક બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


