જૂનાગઢમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની થયેલ ઉજવણી

જૂનાગઢમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની થયેલ ઉજવણી

જૂનાગઢ તા. ૧૪
બંધારણના ઘડવૈયા ડો.બાાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની આજે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ૧૪ મી એપ્રિલનો આજનાં દિવસનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતીય બંધારણનાં ઘડવૈયા ગરીબોનાં મસિહા ડો.બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિની સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. 
જૂનાગઢ શહેરમાં આજે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. દલીત સમાજનાં વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. 
દરમ્યાન આજે કાળવા ચોક ખાતે આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. 
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાનાં મેયર ધર્મેશભાઈ પોશીયા, ડે. મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષનાં દંડક કલ્પેશભાઈ અજવાણી, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકર, જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તેમજ પદાધિકારીઓ ઉપરાંત પૂર્વ મેયર ગીતાબેન પરમાર, જયોતિબેન વાછાણી તેમજ કોર્પોરેટરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા તેમજ  ડો.બાબા સાહેબ આંબેડકરની કાળવા ચોક ખાતે આવેલી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલી  અર્પણ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી  છે અને પુષ્પાંજલી અર્પણ કરવાનાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.