સફાઈ કર્મચારીઓની હડતાળને પગલે જૂનાગઢ ગંદકીનગરમાં ફેરવાયું ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા
જૂનાગઢ તા. ૧ર
જૂનાગઢ મનપાનાં સફાઈ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ ન ઉકેલાતા આખરે અગાઉથી અલ્ટીમેટમ આપ્યા મુજબ અચોકકસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે.આ હડતાળનો આજે ૩જાે દિવસ છે. સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતાં સફાઈ કામગીરી ઠપ્પ બની છે. અને જેને લઈને સમગ્ર શહેર હાલ કચરા અને ગંદકીનાં ઢગલામાં ફેરવાયું છે. સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓ ઘણા લાંબા સમયથી રહેલી છે. અનેકવાર રજુઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ જાતનો ઉકેલ નહી આવતા આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. મંગળવારથી શરૂ થયેલી અચોકકસ મુદતની સફાઈ કર્મચારીઓની હડતાળ દરમ્યાન રેલી, ધરણા, કચેરીને ઘેરાવ સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતાં સફાઈની કામગીરી ખોરવાઈ છે અને જેને લઈને જૂનાગઢ શહેરમાં તમામ વિસ્તારોમાં ઠેર ઠેર કચરા અને ગંદકીનાં ઢગ ખડકાયા છે. મનપા તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવી રહયા છે. પરંતુ આજના દિવસ સુધી તેમને સફળતા મળી નથી. અને જાે પોતાની વ્યાજબી માંગણીઓનો ઉકેલ નહી આવે તો હજુ પણ વધુ આક્રમક રીતે લડત આપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવેલ છે.


