જૂનાગઢમાં SMCનો મેગા દરોડો: ગેરકાયદેસર બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ, ₹2.13 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ચોરવાડ અને માણાવદરમાં ત્રણ સ્થળે એકસાથે કાર્યવાહી; 8 આરોપીઓ ઝડપાયા, 5 ફરાર આરોપીઓની શોધખોળ તેજ
જૂનાગઢ તા.20
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર SMCની ટીમે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને માણાવદર પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા ત્રણ અલગ-અલગ સ્થળોએ એકસાથે દરોડા પાડી ગેરકાયદેસર બાયોડીઝલના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 2,13,48,880નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 30,970 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી, 15 વાહનો, 7 ઇલેક્ટ્રિક મોટર, 9 સ્ટોરેજ ટાંકા, ડિસ્પેન્સર મશીનો તેમજ રોકડ રકમનો સમાવેશ થાય છે.
SMCની ટીમે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સંચાલકો સહિત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
પ્રથમ દરોડો ગડુ ગામ નજીક આવેલા શિવકૃપા ટ્રેડર્સ ખાતે પાડવામાં આવ્યો હતો. અહીંથી 18,300 લીટર શંકાસ્પદ બાયોડીઝલ સહિત રૂ. 51.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો હતો. સ્થળ પરથી ચાર આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે મુખ્ય સંચાલક પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ સોલંકી સહિત બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
બીજી કાર્યવાહી ગડુ-ચોરવાડ હાઈવે પર આવેલી રાધે એન્ટરપ્રાઈઝ ખાતે કરવામાં આવી હતી. અહીંથી 10,070 લીટર ભેળસેળયુક્ત બાયોડીઝલ અને અન્ય સામગ્રી સહિત રૂ. 27.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ત્રીજો અને સૌથી મોટો દરોડો માણાવદરના મીતડી રોડ પર આવેલા નિલકંઠ ટ્રાન્સપોર્ટ ખાતે પાડવામાં આવ્યો હતો. અહીંથી 2,600 લીટર શંકાસ્પદ પ્રવાહી, 13 વાહનો અને અન્ય સાધનો સહિત રૂ. 1.34 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
SMCના જણાવ્યા મુજબ સમગ્ર નેટવર્કના મૂળિયાં ઊંડા હોવાનું સામે આવ્યું છે અને આગામી તપાસ દરમિયાન સપ્લાયરો તથા અન્ય સંડોવાયેલા શખ્સો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


