“તુ ઈધર કી ન બાત કર - ના ઉધર કી બાત કર, બસ પેટ્રોલ-ડીઝલ-ગેસ કી બાત કર !!!”

સબ સલામતની જાહેરાત છતાં લોકોને સરકારની વાત પર વિશ્વાસ કેમ નથી ? અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ

“તુ ઈધર કી ન બાત કર - ના ઉધર કી બાત કર, બસ પેટ્રોલ-ડીઝલ-ગેસ કી બાત કર !!!”

અમદાવાદ/જૂનાગઢ તા.ર૪
ઈરાન વિરૂધ્ધ ઈઝરાયલ-અમેરીકા યુધ્ધને પગલે પેટ્રોલ-ડીઝલ-ગેસની તંગી સર્જાઈ રહી હોવાની અફવાને કારણે જૂનાગઢ સહિત સમગ્ર રાજયના તમામ નાના-મોટા શહેરોમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને સરકારની લાખ વિનંતી છતાં લોકો પેનીક બાઈંગ (ગભરાટ ભરી ખરીદી) કરી રહ્યા છે. જેને કારણે સમગ્ર રાજયમાં પેટ્રોલપંપો પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. પેટ્રોલ પંપો પર લાંબી કતારો આજે પણ જાેવા મળી રહી છે.સરકારની સબ સલામતની આલબેલ હોવા છતાં લોકોને સરકારની જાહેરાત પર વિશ્વાસ ન હોય, તેવા દૃશ્યો જાેવા મળી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર, પુરવઠા અધિકારી તેમજ જૂનાગઢ પેટ્રોલીયમ ડીલર એસોશિએશન દ્વારા પુરતો જથ્થો હોવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં અને લોકોને અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવવા વિનંતી કરવામાં આવી હોવા છતાં લોકોને સરકાર પર વિશ્વાસ ન હોય તેમ પેટ્રોલ-ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી ગઈ છે. તેના કારણોમાં મુખ્યત્વે એવું દર્શાવાય છે કે, પેટ્રોલ પંપની સપ્લાય ચેનની સીસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ પંપો દ્વારા જેટલો જથ્થો ઉપાડવામાં આવ્યો હતો તેટલો જ જથ્થો આપવાનો પેટ્રોલીયમ કંપનીઓએ બાંધણુ કર્યું છે. તેની સામે પેટ્રોલ-ડીઝલનો ઉપાડ રોજીંદા કરતા ત્રણ ગણો વધી ગયો છે. જેથી પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખલાસ થઈ જતાં અને નવી સપ્લાયમાં નિયમ આવી જતાં અફવાઓને વેગ મળ્યો હતો. લોકોના ભારે ઘસારાને પગલે અનેક પેટ્રોલ પંપોમાં સ્ટોક ખલાસ થઈ ગયો હતો. કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ પોતાની રીતે જ રેશનિંગ શરૂ કરીને ચોક્કસ મર્યાદામાં જ પેટ્રોલ-ડીઝલ વેચાણનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે જાેવાનું એ રહે છે કે, હજી સ્થિતિ સલામત થવામાં સમય લાગી શકે છે. રાજય સરકારના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ છતાં સ્થાનિક સ્તરે વિતરણમાં કેટલીક અડચણો જાેવા મળી રહી છે. જૂનાગઢ શહેર-જીલ્લામાં ઈંધણ અને ગેસના પુરવઠાની સ્થિતિ સંપૂર્ણ કાબુ હેઠળ છે. પરંતુ સપ્લાય ચેનના નિયમમાં ફેરફાર અને ઓનલાઈન સીસ્ટમમાં ટેકનીકલ ખામીને કારણે લોકોમાં અફવા ફેલાઈ રહી છે.
આજે પણ અમદાવાદ સહિતના શહેરોમાં સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા છે.પેટ્રોલ-ડીઝલ સહિતનું ઇંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાયરલ કરનાર સામે અમદાવાદ સાઈબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. આવા ભ્રામક સંદેશાઓથી ગભરાટ ફેલાતો હોવાથી જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ કાનૂની પગલાં લેવામાં આવશે, તેવી ચેતવણી અધિકારીઓએ આપી છે. આવી હરકત કરનારના મેસેજ વાયરલ નહિ કરવા તાકીદ કરાઇ છે.