ઈન્ડીયન કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રી પ્રદુષણ નિવારણ અંગે મોકડ્રીલ અને પોલ્યુશન રીસ્પોન્સ સેમીનાર
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૩
ઈન્ડીયન કોસ્ટગાર્ડ સ્ટેશન જખૌ દ્વારા તાજેતરમાં જખૌ ખાતે દરીયાઈ પ્રદુષણ સામેની સજજતા ચકાસવા એક વિશેષ પોલ્યુશન રીસ્પોન્સ સેમીનાર, ટેબલ ટોપ એકસરસાઈઝ અને મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવેલ. આ કવાયતમાં પોર્ટ ઓથોરિટી, સ્થાનીય વહીવટી તંત્ર, મત્સ્યોદ્યોગ વિભાગ, બી.એસ.એફ., ઈન્ડીયન એરફોર્સ અને દરિયાઈ એજન્સીઓની ભાગીદારીથી પોલ્યુશન રીસ્પોન્સ સેમીનાર યોજાયો હતો. આ કવાયતનો ઉદ્દશ્ય કચ્છના વ્યુહાત્મક દરિયાકાંઠે પ્રદુષણની કોઈ આકસ્મીક ઘટના સમયે તમામ એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન અને રીસ્પોન્સ કેપેસીટીને મજબૂત કરવાનો હતો. સેમિનારમાં પ્રદુષણ નિવારવા માટે આધુનિક ટેકનોલોજી અને પ્રોટોકોલ વિશે માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવેલ. ટેબલ ટોપ એકસરસાઈઝમાં કટોકટીના સમયે વ્યુહાત્મક આયોજન અને ર્નિણય લેવાની પ્રક્રિયાનું સીમ્યુલેશન કરવામાં આવેલ. મોકડ્રીલમાં પ્રત્યક્ષ રીતે દરીયામાં તેલના ગળતર જેવી પરિસ્થિતિમાં પ્રદુષણ રોકવાના સાધનો અને પ્રક્રિયાઓની પ્રાયોગિક ચકાસણી કરવામાં આવી હતી. આ આંતર-એજન્સી તાલમેલ દ્વારા કચ્છના અખાતમાં પર્યાવરણ અને જૈવવિવિધતાના રક્ષણ માટેની ઈન્ડીયન કોસ્ટગાર્ડની પ્રતિબધ્ધતાને પુન: પુષ્ટિ કરવામાં આવેલ.


