આજથી બે દિવસ દિલ્હીમાં બ્રિકસ સંગઠનની બેઠક : હોર્મુઝ સહિતના મુદ્દે ચર્ચા થશે

આજથી બે દિવસ દિલ્હીમાં બ્રિકસ સંગઠનની બેઠક : હોર્મુઝ સહિતના મુદ્દે ચર્ચા થશે

(એજન્સી)   નવી દિલ્હી, તા.13
વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને તેના કારણે વૈશ્વિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા ભડકા વચ્ચે, ભારત આજે વિશ્વ રાજનીતિના કેન્દ્રમાં છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે 14 અને 15 મે દરમિયાન 18મી બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ રહી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક માત્ર રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે સર્જાયેલી વૈશ્વિક ઉર્જા કટોકટીનો ઉકેલ શોધવા માટેનો એક મોટો મંચ છે.
બે દિવસીય આ સમિટના આજે પ્રથમ દિવસે સભ્ય દેશો વચ્ચે પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક પડકારો પર ગહન ચર્ચા થશે. બપોરે તમામ દેશોના પ્રતિનિધિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેવા તીર્થ ખાતે મુલાકાત કરશે, જ્યાં ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પોતાનો રોડમેપ રજૂ કરી શકે છે. ખાસ કરીને ઈરાન અને યુએઈના પ્રતિનિધિઓની હાજરી આ બેઠકને અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક બનાવે છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પણ આ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહી વૈશ્વિક શક્તિ સંતુલન પર ચર્ચા કરશે.