ગાંધીનગરમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬’નો પ્રારંભ, ૬૬ દેશોના ૨ હજારથી વધુ પ્રતિનિધિઓ સહભાગી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરને ગણાવ્યું સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ; ૨૦૫૦ સુધીમાં ભારતમાં ૨ ટ્રિલિયન ડોલરથી વધુનું બજાર અને લગભગ ૧ કરોડ રોજગારીની તકો સર્જાવાની સંભાવના

ગાંધીનગરમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬’નો પ્રારંભ, ૬૬ દેશોના ૨ હજારથી વધુ પ્રતિનિધિઓ સહભાગી

ગાંધીનગર તા.15
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬’ની ૧૦મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ થયો છે. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં ૬૬ દેશોના ૨ હજારથી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસીય ફોરમ ૧૮ સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડેલ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા સહિતના મુદ્દાઓ પર મંથન થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે WCEF-૨૦૨૬નું ભારતમાં પ્રથમવાર આયોજન થઈ રહ્યું છે. ફોરમમાં ૬૬ દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત ૨૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને ૫૫ આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા અને જળ વ્યવસ્થાપન તેમજ સંસાધન કાર્યક્ષમતાના ક્ષેત્રમાં અનેક પહેલો કરી છે અને આ ફોરમ ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની સાથે વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાની તક આપશે.
મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકોનોમીના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે મંદિરમાં અર્પણ થતાં ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત અને અન્ય સામગ્રીને કચરા તરીકે ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે. ફૂલ, બિલીપત્ર અને ભોજનના જૈવિક કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે, જ્યારે પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક તૈયાર કરવામાં આવે છે. આ કામગીરી સાથે સ્થાનિક સખી મંડળની મહિલાઓને પણ જોડવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલે ‘વેસ્ટ ટુ વેલ્થ’ના અભિગમને માત્ર કચરા વ્યવસ્થાપનનું મોડલ નહીં, પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાનું સાધન ગણાવ્યું હતું. તેમણે વિકાસ અને પર્યાવરણને એકબીજાના વિરોધી નહીં ગણાવતાં કહ્યું કે ગ્રોથ સાથે ગ્રીનરી, ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી અને પ્રોસ્પેરિટી સાથે સસ્ટેનેબિલિટી પણ જરૂરી છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે સર્ક્યુલર ઇકોનોમી માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતી મર્યાદિત વિચારધારા નથી. તેમાં સંસાધનોના સમગ્ર જીવનચક્રથી લઈને ડિઝાઇન, ઉત્પાદન, વપરાશ, પુનઃઉપયોગ, સમારકામ અને પુનઃઉત્પાદનને વધુ કાર્યક્ષમ તથા ટકાઉ બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે વસ્તુ બદલતા પહેલાં તેનું સમારકામ અને કચરો બનતા પહેલાં તેનો પુનઃઉપયોગ કરવાની જીવનશૈલી ભારતીય સંસ્કૃતિનો લાંબા સમયથી અભિન્ન હિસ્સો રહી છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય ૨ ટ્રિલિયન ડોલરથી વધુ થવાની અને લગભગ ૧ કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. તેમણે ગુજરાતને સર્ક્યુલર ઇકોનોમી માટે વૈશ્વિક હબ તરીકે વિકસાવવાની સંભાવનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ૧,૨૪૨ રિસાયક્લિંગ સુવિધાઓ અને ૧૯ કોર પ્રોસેસિંગ યુનિટ્સ કાર્યરત છે. ગત વર્ષે રાજ્યમાં આશરે ૬૩ ટકા કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં ૪૧ ઈ-વેસ્ટ રિસાયકલર્સ અને ૧૨ રિફર્બિશર્સ કાર્યરત હોવાનું પણ જણાવાયું હતું.
WCEF-૨૦૨૬ સાથે વિશેષ ‘સર્ક્યુલરિટી એક્સ્પો’નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં ૧૨૫થી વધુ સ્ટોલ્સ દ્વારા ગ્રીન ઇનોવેશન, વેસ્ટ-ટુ-વેલ્થ મોડેલ અને રિસાયક્લિંગ ટેક્નોલોજી સહિતના સર્ક્યુલરિટી સોલ્યુશન્સ રજૂ કરવામાં આવી રહ્યા છે.
આ વૈશ્વિક ફોરમનું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, CPCB, ગુજરાત સરકાર, GPCB, ફિનિશ ઇનોવેશન ફંડ ‘સિત્રા’ અને ફિનલેન્ડ સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. ફોરમના માધ્યમથી નીતિ, ટેક્નોલોજી, નવીનતા અને વૈશ્વિક સહયોગ દ્વારા પરંપરાગત લિનિયર અર્થવ્યવસ્થામાંથી વધુ ટકાઉ અને સંસાધન-કાર્યક્ષમ સર્ક્યુલર અર્થવ્યવસ્થા તરફ આગળ વધવા પર ભાર મૂકવામાં આવ્યો છે.