દિલજીત દોસાંઝના નિવેદનથી CJP સાથે વિવાદ વકર્યો
“પંજાબીઓને લડાઈ લડવાનું ન શીખવાડો” કહી ગાયકે વિરોધ પ્રદર્શન અને ફિલ્મ 'સતલુજ' અંગે મૌન તોડ્યું; અભિજીત દીપકેએ જૂના નિવેદનથી દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ પ્રેમ અને આદર યથાવત્ રાખ્યો
મુંબઈ, તા.31
પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યો છે. દિલ્હીમાં આયોજિત તેના 'ઓરા ઇન્ડિયા ટૂર 2029'ના કોન્સર્ટ દરમિયાન દિલજીતે CJPના વિરોધ પ્રદર્શન અને તેની ફિલ્મ 'સતલુજ'ને લઈને થયેલી ટીકાઓ અંગે મૌન તોડ્યું હતું. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પંજાબીઓને લડાઈ લડવાનું શીખવવાની જરૂર નથી. દિલજીતના આ નિવેદન બાદ CJPના નેતા અભિજીત દીપકેએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી.
કોન્સર્ટ દરમિયાન દિલજીતે જણાવ્યું હતું કે, “હું એક કલાકાર છું, મને શાંતિથી રહેવા દો. હું તમને બધાને પ્રેમ કરું છું અને તમારું સમર્થન કરું છું, પરંતુ પંજાબીઓને લડાઈ લડવાનું ન શીખવાડો.” ફિલ્મ 'સતલુજ'નો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું હતું કે જે ફિલ્મની સ્ટેજ પર મજાક ઉડાવવામાં આવી રહી છે, તે માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે. આ ફિલ્મ બનાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. દિલજીતે વધુમાં કહ્યું હતું કે કોઈ તેની સાથે નફરત કરે તો પણ તે સૌને પ્રેમ કરે છે.
આ વિવાદની શરૂઆત જૂન મહિનામાં CJP દ્વારા દિલ્હીના જંતરમંતર ખાતે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થઈ હતી. NEET પેપર લીક અને પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દે ચાલી રહેલા આંદોલન અંગે દિલજીતને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેણે પોતે કલાકાર હોવાનું જણાવી રાજકીય મુદ્દાઓથી દૂર રહેવાની વાત કરી હતી. તેના આ નિવેદનથી કેટલાક પ્રદર્શનકારીઓ નારાજ થયા હતા.
હવે દિલજીતના તાજેતરના નિવેદન બાદ અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર ગાયકને સંબોધીને લાંબી પોસ્ટ લખી હતી. તેમાં તેણે સ્વીકાર્યું હતું કે જૂન મહિનામાં દિલજીતની એક વાતથી તેને દુઃખ થયું હતું, પરંતુ તેની નારાજગી વ્યક્તિગત નહોતી. દીપકેએ લખ્યું હતું કે તે દિલજીતને હંમેશાં એવા વ્યક્તિ તરીકે જોતો આવ્યો છે, જે કોઈ મુદ્દા માટે પોતાનો અવાજ ઉઠાવે છે. એક નિવેદનથી દિલજીત પ્રત્યેનો તેનો પ્રેમ અને આદર ઓછો થયો નથી તેમ પણ તેણે સ્પષ્ટ કર્યું હતું.
અભિજીત દીપકેએ દિલજીતની હિંમત, નિખાલસતા અને પોતાની મૂળ ઓળખ સાથે જોડાયેલા રહીને ભારતીય સંગીતને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે દિલજીતના સંગીતનો ચાહક છે અને આ વર્ષે મે મહિનામાં ભારત પરત ફરતાં પહેલાં શિકાગોમાં યોજાયેલા તેના કોન્સર્ટમાં પણ હાજર રહ્યો હતો. દિલજીત પ્રત્યેનો આદર હોવાને કારણે જ જૂન મહિનાનું નિવેદન તેને વધુ દુઃખદ લાગ્યું હોવાનું તેણે જણાવ્યું હતું.
પોતાની પોસ્ટના અંતે અભિજીત દીપકેએ દિલજીતને જૂની વાત ભૂલી જવાની વિનંતી કરતાં લખ્યું હતું કે, “બાકી પાજી, નાનો ભાઈ સમજીને માટી નાખજો.” તેણે દિલજીતના જ એક ગીતની પંક્તિનો ઉલ્લેખ કરીને પોતાની પોસ્ટ પૂર્ણ કરી હતી. બીજી તરફ, દિલ્હીના કોન્સર્ટમાં દિલજીતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે આ કાર્યવાહી ખોટી ગણાવી હતી અને સત્તાધીશોને વિદ્યાર્થીઓની માગણીઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી.


