વિમલ ઈલાયચી જાહેરાત વિવાદમાં અજય દેવગણે FDAની નોટિસને હાઈકોર્ટમાં પડકારી

ઉત્પાદક કંપનીને બદલે અભિનેતાને વ્યક્તિગત નોટિસ આપવી મનસ્વી હોવાનો અરજીમાં દાવો; 4 નવેમ્બરે સુનાવણી થવાની શક્યતા

વિમલ ઈલાયચી જાહેરાત વિવાદમાં અજય દેવગણે FDAની નોટિસને હાઈકોર્ટમાં પડકારી

મુંબઈ, તા.31
બોલિવૂડ અભિનેતા અજય દેવગણે 'વિમલ ઈલાયચી'ની જાહેરાતોના સંદર્ભમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા પાઠવવામાં આવેલી કારણદર્શક નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. આ બ્રાન્ડની જાહેરાતોમાં દેખાવા બદલ FDA દ્વારા અજય દેવગણને નોટિસ આપવામાં આવી હતી. હવે અભિનેતાએ આ નોટિસ સામે કાનૂની લડત શરૂ કરી છે.
અજય દેવગણ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે સંબંધિત ઉત્પાદક કંપની સામે કાર્યવાહી કરવાને બદલે તેમને વ્યક્તિગત રીતે નોટિસ પાઠવવાનો FDAનો નિર્ણય મનસ્વી અને ગેરવાજબી છે. મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત શેઠનાની ડિવિઝન બેન્ચ સમક્ષ આ અરજીની આગામી 4 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
FDAની નોટિસમાં જણાવ્યા મુજબ, 'વિમલ ઈલાયચી'ની જાહેરાતો વાસ્તવમાં પાન મસાલાનો પરોક્ષ પ્રચાર કરે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાના સંદર્ભમાં વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે આ જ જાહેરાતોમાં જોવા મળેલા અન્ય બે બોલિવૂડ કલાકારો શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને પણ FDA દ્વારા આવી જ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી.
આ મામલે FDA કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફ દ્વારા કરવામાં આવેલા કથિત નિયમભંગની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. તપાસમાં જાહેરાતના માધ્યમથી નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું તારણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આગામી અઠવાડિયે આ મામલે અંતિમ નિર્ણય લેવા માટે સમગ્ર અહેવાલ સંબંધિત સક્ષમ સત્તાધિકારીને સોંપવામાં આવશે. બીજી તરફ, અજય દેવગણે હાઈકોર્ટમાં અરજી કરી હોવા છતાં FDA વિભાગ નિયમ મુજબની કાયદાકીય કાર્યવાહી આગળ વધારવાની દિશામાં મક્કમ હોવાનું જણાય છે.