શેરબજારમાં હાહાકાર મચી જશે : ટ્રમ્પ પછી હવે ચીન વિલન બનશે : નિષ્ણાંતોએ ચેતવણી આપી
મુંબઈ તા.૧૬
ભારતીય શેરબજારમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. દરરોજ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે પણ શેરબજાર ઘટીને બંધ થયું હતું અને ગઈકાલે પણ તેમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. આ ઘટાડા પાછળનું એક મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન, યુબીએસ ઇન્વેસ્ટમેન્ટ બેંકના મુખ્ય વૈશ્વિક વ્યૂહરચનાકાર ભાનુ બાવેજાએ મોટા ખતરાની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ચીનની માગમાં ભારે ઉછાળો અને હોર્મુઝથી ઓઈલ સપ્લાયમાં અવરોધને કારણે ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે. જો આવું થયું તો શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ભારતીય બજારમાં તેની અસર વધુ દેખાઈ શકે છે, કારણ કે ભારત ઊર્જા માટે અન્ય દેશો પર ર્નિભર છે.
બાવેજાએ એક તર્ક રજૂ કરતા કહ્યું કે શરૂઆતમાં જ્યારે હોર્મુઝ બંધ થયું હતું ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઓઈલની કિંમતો ૨૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે, પરંતુ આવું થયું નહીં અને તે લાંબા સમય સુધી ૧૨૦ ડોલર સુધી પણ ટકી શકી નહીં. તેનું એક મહત્વપૂર્ણ કારણ ચીન હતું.


