જૂનાગઢમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે “સુવેનિર શોપ”નું લોકાર્પણ કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧
એશિયાનું અતિપ્રાચીન “સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (સ્થાપના વર્ષ-૧૮૬૩) ખાતે મુલાકાતીઓ માટે વિશેષ સુવેનિર (Souvenir) શોપ”નું શુભ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ વધારવાનો, પ્રકૃતિ અને વન્યજીવન પ્રત્યે લોકોમાં સંવેદનશીલતા કેળવવાનો તેમજ મુલાકાતીઓને સક્કરબાગની યાદોને ચિરંજીવ બનાવતા ગુણવત્તાસભર સુવેનિર ઉપલબ્ધ કરાવવાનો છે.
આ સુવેનિર શોપની પરિકલ્પના “વન સંરક્ષક ડો. રામ રતન નાલા(IFS)ના દ્રષ્ટિકોણથી સાકાર થઈ છે અને તેમના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવ્યો છે. સક્કરબાગ સુવેનિર શોપની વિશેષતા એ છે કે અહીં ઉપલબ્ધ દરેક સુવેનિર વિવિધ વન્યપ્રાણી પ્રજાતિઓને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ડિઝાઈન પ્રમાણિત વૈજ્ઞાનિક માહિતી અને પ્રાણીઓના વાસ્તવિક દૃશ્ય સંદર્ભોના આધારે તૈયાર કરવામાં આવી છે, જેને સર્જનાત્મક વાઇલ્ડલાઇફ આર્ટના માધ્યમથી આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સુવેનિર માત્ર યાદગીરી પૂરતા નથી, પરંતુ વન્યજીવ સંરક્ષણનો સંદેશ આપતા શૈક્ષણિક માધ્યમ તરીકે પણ કાર્ય કરશે. શોપમાં ટી-શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, કેપ/હેટ, પેન, કોફી મગ, ફોટો ફ્રેમ, બેગ, વોટર બોટલ, ફ્રિજ મેગ્નેટ, સ્ટિકર્સ, કી-ચેઈન, બેજ/પિન, પેપરવેઇટ, પોસ્ટકાર્ડ, ડાયરી/નોટબુક તેમજ બુકમાર્ક જેવા અનેક આકર્ષક અને ઉપયોગી સુવેનિર ઉપલબ્ધ રહેશે. શૈક્ષણિક કાર્યક્રમો, વર્કશોપ, પરિષદો, સરકારી કાર્યક્રમો તથા અન્ય વિશેષ પ્રસંગો માટે કસ્ટમાઇઝ્ડ બલ્ક ઓર્ડરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, જેથી વિવિધ સંસ્થાઓ અને આયોજકો પોતાની જરૂરિયાત મુજબ સુવેનિર તૈયાર કરાવી શકશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો વિશ્વાસ છે કે દરેક સુવેનિરની ખરીદી માત્ર એક યાદગીરી નહીં, પરંતુ વન્યજીવ સંરક્ષણ પ્રત્યે આપના સહયોગનું પ્રતીક છે. આપનો આ સહયોગ પસંદગી વન્યજીવ સંરક્ષણને સમર્થન આપશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા ભવિષ્યમાં પણ મુલાકાતીઓને વધુ સમૃદ્ધ અને યાદગાર અનુભવ મળે તેમજ વન્યજીવ સંરક્ષણ અંગે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે તે માટે આવા નવીન અને જનજાગૃતિ આધારિત પ્રયાસો સતત હાથ ધરવામાં આવશે.


