ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક દ્વારા માંગરોળ ખાતે ગ્રાહક મીટ યોજાઈ

ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક દ્વારા માંગરોળ ખાતે ગ્રાહક મીટ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા. ૧
ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક દ્વારા માંગરોળ બંદરે સોમનાથ ભવન ખાતે “ગ્રાહક મીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેર તેમજ બંદર વિસ્તારનાં લોકોને બેન્ક તરફથી આપવામાં આવતી વિવિધ ગ્રાહક લક્ષી સેવાઓની જાણકારી આપવામાં આવી હતી. બેંક તરફથી સિનિયર સીટીઝન માટે વાર્ષિક ૮.૧૦% જેટલા વળતર માટે રજુ થયેલ વરિષ્ઠ વય વંદના ફિક્સ ડીપોઝીટ, ૭.૫૦%ના વ્યાજ દરે કાર લોન, સરળ ગોલ્ડ લોન, ૮% વ્યાજમાં હાઉસીંગ લોન ઉપરાંત બેંકની વિવિધ ફ્રી ડીજીટલ સેવાઓ, લોકર સુવિધા, બચત ખાતા અંગે ગ્રાહકોને જાણકારી આપવામાં આવી હતી. આ તકે સાંપ્રત સમયમાં બેંકિંગ સર્વિસની જરૂરીયાતનો સંવાદ કરાયો હતો. કાર્યક્રમમાં ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોસિયા, વેલજીભાઈ મસાણી, દામોદરભાઈ ચામુડીયા, કિશનભાઈ ભાદ્રેશા સહિતના આગેવાનો તેમજ ખારવા સમાજનાં અગ્રણી વેપારીઓએ સહકાર આપ્યો હતો. બેંકના ચેરમેન મધુબેન શાહ, વાઈસ ચેરમેન સુરેશભાઈ કંપાણી, એમ.ડી. અતુલભાઈ શાહ, મેનેજમેન્ટ કમિટી, આગેવાન નવિનભાઈ શાહ તથા સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટર તરફથી માંગરોળના તમામ ગ્રાહકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા બેંકની તમામ ગ્રાહકલક્ષી સેવાઓનો લાભ લેવા માંગરોળ શાખાની મુલાકાત લેવા અનુરોધ કરેલ હતો. કાર્યક્રમના અંતે બેંક તરફથી ઉપસ્થિત દરેક વ્યક્તિને સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી. સમગ્ર હોલ ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માટે માંગરોળ શાખા મેનેજર સચિનભાઈ વ્યાસ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.